ટપ્પરની સીમમાંથી 10 લાખના વીજવાયરની લૂંટ કરનારા સાત ઝડપાયા

અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાં વીજવાયરોની લૂંટ ચલાવનારા સાત ઇસમોને  પોલીસે ઝડપી  પાડયા હતા. આ ઇસમો  પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ જપ્ત  કરવામાં આવ્યો હતો. ટપ્પરથી વીજલાઇન ભદ્રેશ્વર વિદ્યુત પ્રા. લિમિટેડ બાજુ જાય છે. વાવાઝોડાંનાં કારણે બંધ પડેલી આ લાઇનના અમુક થાંભલામાંથી વાયરની ચોરી થતી હોવાનું જાણીને ત્રણ ગાર્ડ  ટપ્પર નજીક મંદિર પાછળ સીમમાં વીજ થાંભલા પાસે પહોંચ્યા હતા, ત્યારે લૂંટારુઓએ હથિયારો બનાવી મારવા દોડતાં આ ત્રણેય સુરક્ષાકર્મી જીવ બચાવીને ત્યાંથી નીકળી ગયા હતા. દરમ્યાન લૂંટારુઓએ રૂા. 10 લાખના વાયરની લૂંટ કરી વાહનમાં નાખીને નાસી ગયા હતા. ગત તા. 9/9થી 10/9 દરમ્યાન બનેલા આ બનાવ અંગે દુધઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. લૂંટ કરનારા ઇસમો  ટપ્પર બાજુથી લાખાપર થઇ ચાંદ્રાણીવાળા રસ્તાથી ભુજ બાજુ જવા માટે જઇ રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને નાના વરનોરાના મીરખાન જાકબ ખમીશા મમણ, રિયાઝ અલ્લારકા અધાભા ત્રાયા, હાજી રમજુ અલિયાસ મમણ, સુલેમાન જાનમામદ આમદ મોખા, સુમાર ઇશાક સુલેમાન ત્રાયા અને ઇસ્માઇલ જાકબ ખમીશા મમણ તથા ભુજના સમીર ઇબ્રાહીમ ઇસ્માઇલ કુંભારને પકડી પાડયા હતા. પકડાયેલા ઇસમો પાસેથી 3010 કિલો રૂા. 5,11,700ના વીજવાયર, બોલેરો, કાર નંબર, સાત મોબાઇલ, વાયર કાપવાની કાતર, આરી એમ કુલ રૂા. 12,43,400નો મુદ્દામાલ જપ્ત  કરવામાં આવ્યો હતો.