કંડલામાં ડ્રાઇવરને નોકરીમાંથી કાઢી મુકાતાં બે વાહન સળગાવી દીધા

કંડલામાં વાહનચાલકને નોકરીમાંથી કાઢી મુકાતાં તેણે બે વાહનમાં આગ ચાંપી કંપનીને રૂા. સાત લાખનું નુકસાન પહોંચાડતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. કંડલામાં આયાત-નિકાસનું કામ કરતી એ.સી.ટી. ઇન્ફ્રા પોર્ટ લિમિટેડ કંપનીના વેસ્ટ ગેટ-બે રોડ ઉપર આવેલા ગોદામ નંબર 1 તથા 3 પાસે ગત તા. 8/9 અને 10/9ના બનાવ બન્યો હતો. આ જગ્યાએ કંપનીનું ડમ્પર પાર્ક કરવામાં આવ્યું હતું. તા. 8/9ના આ વાહનની કેબિનમાં અચાનક આગ દેખાતાં પાણીનો મારો ચલાવી તેના ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ બનાવ અંગે જે તે સમયે પોલીસ મથકે કોઇ જાણ કરાઇ નહોતી. બાદમાં તા. 10/9ના ડમ્પરની કેબિનમાં પણ અચાનક આગ ફાટી નીકળી હતી જેના ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. બે વાહનમાં આગનો બનાવ બનતાં તે અંગે શંકા જતાં સંચાલકોએ સી.સી. ટી.વી.ના ફૂટેજ તપાસ કર્યા હતા જેમાં ખારીરોહરનો અનવર લતીફ સંઘાર નામનો ઈસમ  બંને વાહનમાં જુદી જુદી તારીખે કોઇ પ્રવાહી છાંટી આગ લગાડતો હોવાનું બહાર આવ્યું હતું. આ ઈસમ  અગાઉ આ કંપનીમાં ચાલક તરીકે નોકરી કરતો હતો. તેને નોકરીમાંથી કાઢી મુકાતાં તેનું મનદુ:ખ રાખી તેણે બે વાહનમાં આગ ચાંપી કંપનીને રૂા. સાત લાખનું નુકસાન પહોંચાડયું હતું. બનાવ અંગે વિજુકુમાર વિકરમન પિલ્લઇએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.