ગાંધીધામમાં અપહરણના કેસમાં આરોપીને સાત વર્ષની કેદની સજા
ગાંધીધામ અદાલતે સગીરાના અપહરણ પ્રકરણમાં આરોપીને તક્સીરવાન ઠરાવીને સાત વર્ષની સજા ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આદિપુર પોલીસ મથકે 17 વર્ષીય સગીરાનું લલચાવી- ફોસલાવી બદકામનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણમાં સામેલ આરોપી ઈકબાલ હાજી ચાવડા (ઉ.વ. 21)?(રહે. કિડાણા, તા. ગાંધીધામ)ની પોલીસે અટક કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા સાથે એક માસ અને 23 દિવસમાં ગાંધીધામ કોર્ટમાં ચાર્જશીટ કરાઈ હતી. આ કેસ સ્પેશિયલ ન્યાયાધીશ અને એડિ. સેશન્સ ન્યાયાધીશ સમક્ષ ચાલી ગયો હતો. રજૂ થયેલા પુરાવાના આધારે અદાલતે આરોપી ઈકબાલ હાજી ચાવડાને તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા ફટકારી કુલ રૂા.35 હજારનો દંડ કર્યો હતો. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદીની સજા તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂા. 30 હજાર ચૂકવવા આ ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું. સરકાર પક્ષે સરકારી વકીલ કું.એચ.પી. ગઢવીએ દલીલો કરી હતી.