સામખિયાળીમાં 96 હજારના દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
ભચાઉ તાલુકાના સામખિયાળીમાં એક હોટેલ પાસે બાવળની ઝાડીમાં દારૂ વેચતા એક ઈસમને પોલીસે પકડી પાડી રૂા. 96,000નો દારૂ હસ્તગત કર્યો હતો. બનાવમાં માલ મોકલનારનું નામ બહાર આવ્યું હતું. સામખિયાળીમાં દેશી તડકા હોટેલ પાસે બાવળની ઝાડીમાં દારૂ રાખીને એક ઈસમ તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે સવારના અરસામાં પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસને જોઇને નાસવા જતાં જંગીના રામજી નશા ડાંગર નામના ઈસમને પોલીસે ઝડપી પાડયો હતો. બાવળની ઝાડીમાં તપાસ કરાતાં દારૂની પેટીઓ મળી આવી હતી. બાવળની ઝાડીમાં આ ઈસમના કબજામાંથી કલાસિક મેલ્ટ વ્હીસ્કી 180 એમ.એલ.ના પ્લાસ્ટિકના 960 કવાર્ટરિયા કિંમત રૂા. 96,000નો દારૂ જપ્ત કરાયો હતો. ગોવા લખેલ આ માલ તેણે કયાંથી મેળવ્યો તેની પૂછપરછ કરાતાં મૂળ ભચાઉ તાલુકાના મોડપરના હાલે મુંબઇ રહેતા જયેશ નાનજી પટેલ નામના ઇસમે અહીં બોલાવ્યો હતો અને અહીં પેટીઓ પહેલાથી રાખી દીધી હતી. એક પેટીના રૂા 4000 આપવાનું નક્કી કરાયું હતું. હાથમાં ન આવેલા મુંબઇના આ ઈસમને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.