લોડાઈ ગામની સીમમાં વીજ ટાવરના બે પગ કાપીને રૂ.25 લાખનું  નુકસાન

ભુજ તાલુકાના લોડાઈની સીમમાં અડધી રાતે ગેસ કટરથી વીજ ટાવરના બે પગ કાપી રૂ. 25 લાખની નુકસાની કરી અને લોકો તથા પોતાની જિંદગી જોખમમાં નાખ્યાની ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી . માધાપર પોલીસ મથકે ખાવડા ટુ-એ ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીના સિનિયર મેનેજર કમલેશકુમાર મોદીએ નોંધાવેલ ફરિયાદ મુજબ  તેમની કંપની દ્વારા ખાવડાથી લાકડિયા સુધી વીજ ટ્રાન્સમિશન લાઈન સબબ થાંભલા નાખવાનું કામ ચાલુ છે. લોડાઈ સીમ વિસ્તારમાં અગાઉ પણ ગેસ કટરથી ટાવરના ફાઉન્ડેશનના ત્રણ સ્ટબ કોઈ અજાણ્યા શખ્સો  રાતના અરસામાં  સમયે ગેસ કટરથી કાપી નાખી 15 લાખનું નુકસાન કર્યું હતું. આ બાદ રિપેર કર્યા હતા અને ફરી કાપી નાખી કુલ રૂા. 20 લાખની નુકસાની કર્યાની ફરિયાદ અગાઉ ફરિયાદીએ નોંધાવી હતી. ગત તા. 13/9ના રાતના  એકાદ વાગ્યે કંપનીના આસિ. મેનેજર નાગેન્દ્રસિંઘ પેટ્રોલિંગમાં હતા ત્યારે લોડાઈ સીમમાં સર્વે નં. 976વાળા ખેતરના ટાવર પાસે ચારેક માણસ ઊભા હતા અને નાગેન્દ્રસિંઘ ત્યાં જતાં બે જણા ગેસ કટરથી ટાવરના પગ કાપતા હતા અને બે ઊભા હતા, જેમાં માવજીભાઈ રાણાભાઈ ડાંગર અને તેમનો દીકરો રણજિત હતા. નાગેન્દ્રસિંઘે આવું ન કરવા તેઓને કહેતાં તેમણે તેઓને કહ્યું  કે, અહીંથી જતા રહો નહીંતર જાનથી મારી નાખવામાં આવશે, તેવી ધમકી આપી હતી. અમને ભરતભાઈ હરિભાઈ ડાંગરે ટાવર કાપવાનું કહ્યું છે. અગાઉ બે ટાવર પણ ભરતભાઈએ જ કપાવેલા છે. કંપનીવાળાએ ભરતભાઈ સાથે ખોટી રીતે પંગો લીધો છે તેનું પરિણામ તમારે ભોગવવું પડશે, આ બે પગ કપાતાં ફરીથી પાયો ખોદી કામ કરવું પડશે, જેથી કંપનીને 25 લાખનું નુકસાન કર્યાનું અને આમ કરી પોતાની તથા અન્યોની જિંદગી જોખમમાં મૂક્યાની ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી . ભરતભાઈએ વળતરની રકમ અંગે નારાજગી હોઈ નુકસાન કર્યાની વિગતો ફરિયાદમાં લખાવી હતી.