આદિપુરમાં 1.63 લાખના અંગ્રેજી દારૂ સાથે એક ઈસમની ધરપકડ
આદિપુરમાં જનતા કોલોનીમાં આવેલા એક મકાનમાંથી પોલીસે રૂા. 1,63,460ના દારૂ સાથે ઈસમને પકડી પાડયો હતો. બાદમાં માલ આપનારા ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો. આદિપુરની જનતા કોલોની વોર્ડ 2-બી વિસ્તારમાં રહેનાર પૃથ્વી ઉર્ફે લાલો ભરત ઠક્કર નામના ઈસમે બહારથી દારૂ મગાવી શૈલેશ લાવડિયાનાં મકાનમાં સંગ્રહ કરી રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે સવારના અરસામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. શૈલેષ રમેશ લાવડિયાના એસ.આઇ.એક્સ-110 મકાનમાં પોલીસે દોરડો પડ્યો હતો. આ મકાનમાં ઉપરના માળેથી દારૂ મળી આવ્યો હતો. અહીંથી ગ્રીન લેબલ 750 મિ.લિ.ની 24, જોની વોકરની 12, 8 પીએમની 24, બ્લેન્ડર્સ પ્રાઇડની 59, બેલેન્ટાઇન્સની 12 એમ 750 એમએલની 173 બોટલ કિંમત રૂા. 1,63,400નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઈસમ શૈલેષ લાવડિયાને પકડી પાડી તેની પૂછપરછ કરાતાં પૃથ્વી ઉર્ફે લાલો ભરત ઠક્કરે બહારથી માલ મગાવી તેના ઘરમાં સંગ્રહ માટે રાખી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન હાથમાં ન આવેલા પૃથ્વીને બાદમાં પોલીસે ઝડપી પાડયો હતો. ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ આ દારૂ રાજસ્થાનમાંથી કોણે મોકલાવ્યો હતો તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.