નલિયાની સબ જેલમાંથી દીવાલ કૂદી ભાગવા જતાં આરોપીના હાથ-દાંત તૂટયા
copy image

અબડાસા તાલુકાના ડુમરામાં દારૂના નશામાં ઝડપાયેલા આરોપીને નલિયાની સબ જેલમાંથી નાસવાનો પ્રયાસ ભારે પડયો હતો. બપોરના 11-12 વાગ્યાના અરસામાં કોઠારા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ડુમરાના બસ સ્ટેશન પાસે લથડિયા ખાતે ગામના કોલીવાસનો કરશન ઉર્ફે કિશન બાબુ કોળી (ઉ.વ. 20) મળી આવ્યો હતો. કોઠારા પોલીસે કેફી પીણું પીધેલા કરશન ઉપર ગુનો દાખલ કરી અટક કરી નલિયા સબ જેલને સોંપ્યો હતો. નલિયાની સબ જેલમાં કેદ આરોપી કરશને બાથરૂમ જવાનું કહેતાં તેને બાથરૂમ લઇ જવાયો હતો ત્યારે તે સબ જેલની પાછળની દીવાલ કૂદીને ભાગવા જતાં માથેથી પટકાયો હતો. આથી કરશનને હાથમાં અસ્થિભંગ અને મોઢાના ભાગે ઇજા થતાં દાંત તૂટી પડયા હતા. આમ, કરશન માટે કેદમાંથી ભાગવાનો પ્રયાસ ભારે પડયો હતો. નાસવાના પ્રયાસ અંગે પણ નલિયા પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.