અંજારના ભાઈ-બહેનોની ત્રિપુટીના ગુજસીટોક હેઠળ વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર
copy image

અંજારના ભાઈ-બહેનોની ત્રિપુટીના 10 દિવસના રિમાન્ડ પૂરા થતાં ભુજની ખાસ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં કોર્ટ દ્વારા તેમના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અંજારમાં ઊંચા વ્યાજે નાણાં ધીરી પઠાણી ઉઘરાણી કરવા બદલ આરતી ઈશ્વર ગોસ્વામી તથા તેની બહેન રિયા અને ભાઈ તેજસ વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરાઈ હતી. બાદ તેઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં ભુજની ખાસ ગુજસીટોક કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ પૂરા થતાં વધુ એક વખત તેમને રજૂ કરાયા હતા, જેમાં ખાસ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય ભાઈ-બહેનોને વધુ સાત દિવસના ફર્ધર રિમાન્ડ પર મોકલી દેવાનો હુકમ કરાયો હતો. આ અંગે અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીનો સંપર્ક સાધતાં ત્રણેયના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હોવાનું જણાવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસની જડતી અને તપાસમાં મોટી માત્રામાં મળેલા દસ્તાવેજો, કોરા ચેક, હિસાબો લખેલી ચિઠ્ઠીઓ, પ્રોમિસરી નોટ્સ, પ્રોપર્ટી લખાવી લીધેલા દસ્તાવેજો વગેરેની ગહન તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આરોપીઓ વ્યાજે નાણાં આપવા રૂપિયા ક્યાંથી લાવતાં હતા.તો વળી રહેણાક મકાનો, ઓફિસની જડતી દરમ્યાન વ્યાજના રૂપિયામાંથી અનેક મોટી પ્રોપર્ટી ખરીદી હોવાની ચર્ચા ઊઠી રહી છે. આ અંગેની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઇ છે.