રાપર તાલુકાના ભીમાસરના અઢી દાયકા પહેલાંના હત્યા કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા
copy image

રાપર તાલુકાના ભીમાસર ગામે અઢી દાયકા પહેલાં ગઢવી અને દલિત સમાજના જૂથ વચ્ચે સરકારી જમીન પર દબાણના મુદ્દે થયેલી હિંસક તકરારમાં ગઢવી યુવાનની હત્યા થવા પામી હતી. આ કેસમાં પોલીસે સાત આરોપીઓને પકડી પાડ્યા હતા. અદાલતમાં કેસ ચાલી જતાં એક આરોપીને આજીવન કેદની સજા તેમજ એક આરોપીને ત્રણ વર્ષ અને એક આરોપીને એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. કેસની વિગત એવી છે કે, રાપરના ભીમાસર ગામે અઢી દાયકા પહેલાં હરદાન ગઢવી અને મુરા માદેવાના જૂથો વચ્ચે સરકારી જમીન પરના દબાણના પ્રશ્ર્ન અવાર નવાર ઝઘડો થતો હતો. આ મામલે ગત તા.૨૭/૯/૧૯૯૯ના રોજ ગઢવી અને દલિત સમાજના જૂથ વચ્ચે થયેલા હિંસક ધિંગાણામાં હરદાન ગઢવીની હત્યા નીપજાવવામાં આવી હતી. રાપર પોલીસે આ હત્યા કેસમાં ભીમાસરના મુરા માદેવા, રાજા માદેવા, ભીખા માદેવા, મનજી માના, માયા, ગાભા, વીરા ગાભા અને અંબા રવા નામના સાત આરોપીઓની અટક કરી હતી.દરમ્યાન આ કેસ ભચાઉની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ડી.એસ.જાડેજા દ્વારા કરાયેલી દલીલો અને રજૂઆતો તેમજ દસ્તાવેજી પુરાવા સહિતના મુદ્દાઓને ધ્યાને લઈ ભચાઉના ત્રીજા એડિશનલ સેશન્સ સજજ અન્દલીપ તિવારીએ આરોપીઓમાંથી મુરા માદેવાને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ આરોપી માયા ગાભાને ત્રણ વર્ષની સજા અને મનજી માનાને એક વર્ષની સજા તેમજ ત્રણેય આરોપીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ચારનો ર્નિદોષ છુટકારો થયો હતો.