લાકડિયામાં જમાઇ પર સાસરિયા પક્ષનો હુમલો

ભચાઉ તાલુકાના લાકડિયા ગામે પોતાની સાળીની સગાઇમાં આવેલા જમાઇ ઉપર બે મહિલા સહિત ચાર લોકોએ હુમલો કરતાં યુવાનને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. સામખિયાળીના મહેસાણા નગરમાં રહેતા ફરિયાદી દેવશી ભચુ સોમાણી (કોળી)ના 10 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેની પત્ની આઠેક મહિનાથી રીસામણે પિયરમાં લાકડિયા રહે છે. ફરિયાદીની સાળીની સગાઇ હોવાથી ફરિયાદી ગત તા. 16/9ના પોતાના સાસરિયા લાકડિયા ગયો હતો જ્યાં તું અહીં કેમ આવ્યો છે તેમ કહી ગાળાગાળી કરાઇ હતી અને ફરિયાદીની પત્ની નીતાબેન તથા સાસુ અંબાબેન માદેવા કોળીએ માર માર્યો હતો. બાદમાં દશા વેરશી કોળી અને બચુ કાથડ કોળીએ લાકડી વડે માર માર્યો હતો. બનાવમાં ઘવાયેલા યુવાનને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં લઇ જવાતાં તેને પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.