ચોબારીમાં લોન ભરવાની શરતે ટ્રેલર લઈ હપ્તા ન ભરી વિશ્વાસઘાત
copy image

ભચાઉ તાલુકાના ચોબારી ગામના યુવાન પાસેથી ટ્રેઇલર ખરીદી તેની લોનના આઠ હપ્તા ન ભરી વાહન બારોબાર વેચી નખાતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ચોબારીમાં મોમાઇમોરા વિસ્તારમાં રહેનાર ફરિયાદી બાબુ દેવજી મેરિયાએ ટ્રેઇલર ખરીદ્યું હતું, તેના પર તેમણે રાપર ચોલ મંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડમાંથી રૂા. 18,34,476ની લોન કરાવી હતી, જે અંગે રૂા. 43,678ના ચાર હપ્તા ફરિયાદીએ ભરી નાખ્યા હતા અને 38 હપ્તા ભરવાના હતા. ફરિયાદીને આ વાહન વેચવું હોવાથી તેમણે પોતાના મિત્ર કલ્પેશને વાત કરતાં મેઘપર બોરીચીમાં રહેનાર પોતાના ઓળખીતાને આ વાહન લેવાનું હોવાની વાત કરી હતી. બાદમાં ફરિયાદી તથા કલ્પેશ બાવાજી વગેરે ભચાઉ ગયા હતા, જ્યાં આરોપી રાજેશગર નવીનગર ગોસ્વામીએ આવી ગાડી ચલાવી જોઇ લેવાની વાત કરી હતી. બાદમાં જે અંગે અંજાર ખાતે નોટરી વકીલ સમક્ષ લખાણ કરવામાં આવ્યું હતું. આરોપીએ રૂા. 2,25,000 આપી બાકીના હપ્તા ભરપાઇ કરવાની ખાતરી આપી હતી, પરંતુ તેણે આઠ હપ્તા ન ભરતાં ફરિયાદીએ તેને હપ્તા ભરવાનું કહેતાં વાયદા કરતો હતો અને બાદમાં ફરિયાદીની જાણ બહાર આ ગાડી અન્ય ક્યાંક વેચી નાખી વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હતી. અગાઉ કરાયેલ અરજી અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.