વરસામેડીમાં 1.27 લાખ ગાંજા સાથે બે ઈસમ ઝડપયા
copy image

અંજાર તાલુકાના વરસામેડીમાં અંબિકા સ્કીમ-બેમાં આવેલા એક મકાનમાં પોલીસે છાપો મારી બે શખ્સોને રૂા. 1,27,000ના 12 કિલો 700 ગ્રામ ગાંજા સાથે પકડી પાડયો હતો. ગાંધીધામ આસપાસ આવેલી ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા શ્રમિકો એવા પોતાના ગ્રાહકોને ગાંજાનું વેચાણ કરતા હતા. વરસામેડી સીમમાં અંબિકા સ્કીમ-બેમાં આવેલા પ્લોટ નંબર-730માં બે શખ્સ ગાંજો સંગ્રહ કરી તેનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સાંજના અરસામાં કાર્યવાહી હાથ ધરી હતી. આ મકાનમાંથી મૂળ બિહારના મુકેશ નરેશ રાય તથા મિથુનકુમાર છોટન યાદવ નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. ભાડાનાં મકાનમાં રહેતા શખ્સોના કબજાના મકાનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. મકાનમાં પેટીપલંગ ખોલી તપાસ કરાતાં તેમાં સેલોટેપ વીંટળાયેલાં ત્રણ પેકેટ મળી આવ્યાં હતાં. કટર વડે સેલોટેપ તોડી અંદર જોવાતાં અંદરથી લીલા રંગના વનસ્પતિજન્ય પાંદડા સાથે, બી સાથેના ડાળખાં મળી આવ્યા હતા. આ પદાર્થની ખરાઇ કરવા એફ.એસ.એલ. અધિકારીને અહીં બોલાવાતાં પ્રાથમિક તપાસમાં આ જથ્થો ગાંજાનો હોવાનું બહાર આવ્યું હતું. આ પદાર્થનું વજન કરાતાં 12 કિલો 700 ગ્રામ હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સોને મૂળ બિહારનો બલુ યાદવ ઓરિસ્સાથી એક્સપ્રેસ બેઝ લોજિસ્ટિક પ્રા. લિમિટેડ કુરિયર મારફતે ગાંજો મોકલાવતો હતો અને બાદમાં આ શખ્સો ગાંધીધામ આસપાસ આવેલા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો એવા પોતાના ગ્રાહકોને માલ પહોંચાડતા હતા. સુનિતાકુમારી નવલેશકુમાર રાયના મકાનમાં રહેતા આ શખ્સો નવલેશના બાઇકનો ઉપયોગ માલની હેરાફેરી માટે કરતા હતા. પકડાયેલા આ બંને પાસેથી ગાંજો, મોબાઇલ, બાઇક વગેરે મળીને કુલ રૂા. 2,47,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પકડાયેલા બંને શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે. બનાવ અંગેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.