અંજાર તાલુકાના ઝરૂના યુવાનને સાથી કામદારે 29 લાખનો ચૂનો ચોપડયો
copy image

અંજાર તાલુકાના ઝરૂ ગામના યુવાનને તેના સાથી કામદારે પોતાને દુકાન ચાલુ કરવી છે તેમ કહી યુવાનનાં નામે લોન ઉપાડી ભરપાઇ ન કરતાં શખ્સ વિરુદ્ધ રૂા. 29,15,471ની ઠગાઇ, વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ હતી. ઝરૂ ગામમાં રહેનાર નરસિંહ જેસંગ લાલન (મહેશ્વરી) નામનો યુવાન ગાંધીધામની રિશી શિપિંગ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે, તેની સાથે અગાઉ કામ કરનારા ધવલ લક્ષ્મણ સથવારાએ પોતાને મોબાઇલ ખરીદ-વેચાણની દુકાન કરવી છે. પૈસાની જરૂરત છે. મદદ કરો સમયસર પૈસા આપી દઇશ તેવી વાત કરી હતી. જેથી ફરિયાદીએ એસબીઆઇ, એક્સિસ તથા એચ.ડી.એફ.સી. બેન્કમાંથી કુલ રૂા. 9,87,000ની લોન કરાવી આ આરોપીના ખાતામાં પૈસા નાખી આપ્યા હતા. લોનની આ રકમ પૈકીની રૂા. 1,54,550ની આરોપીએ ભરપાઇ કરી હતી, પરંતુ રૂા. 8,32,450 ભર્યા નહોતા. બાદમાં આ શખ્સે હું સમયસર પૈસા ભરી આપું છું. મારા પર ભરોસો રાખો મને વધુ પૈસાની જરૂરિયાત છે તેવું જણાવી તમારા ક્રેડિટ કાર્ડ મને આપી દો તેવું કહેતાં ફરિયાદી વિશ્વાસમાં આવી પોતાની જુદી-જુદી બેન્કોના ક્રેડિટ કાર્ડ આ શખ્સને આપી દીધા હતા. બાદમાં આરોપીએ ફરિયાદીના એ.યુ. સ્મોલ ફાયનાન્સ બેન્ક, એક્સિસ બેન્ક, એચ.ડી.એફ.સી. બેન્ક, આઇ.સી.આઇ.સી.આઇ., સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, યશ બેન્કના જુદા જુદા ક્રેડિટ કાર્ડમાંથી વારંવાર લોન ઉપાડી અમુક રકમની ભરપાઇ કરી હતી. આ શખ્સે અંતે રૂા. 29,15,471ની લોન (તેની ઉપર વ્યાજ પેનલ્ટી અલગથી)ની ભરપાઇ કરી નહોતી અને પોતાનો મોબાઇલ બંધ કરીને નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસ મથકે ઠગાઇ, વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ નોંધાતાં આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.