વડોદરા શહેરના ન્યુવીઆઈપી રસ્તા પર રહેતા ઈએમઈના નિવૃત શિક્ષક ગત રાત્ત્રિના અરસામાં ગરમીથી કંટાળીને ઘરના ધાબા પર સુવા માટે જતા તસ્કરોએ તેમના બંધ ઘરના બેડરૂમની બારીની ગ્રીલના સળિયા કાપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી રોકડ અને સોનાચાંદીના દાગીના સહિત ૫.૮૯ લાખની મતાની તસ્કરી કરી ગયા હતા. શહેરના ન્યુવીઆઈપી રસ્તા પર આવેલી વૈકુંઠ-૨ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય વલ્લભરામ ગણપતરામ પંડયા ઈએમઈની સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં નિવૃત જીવન ગુજારે છે. તેમના પત્નીનું ૧૫ વર્ષ પહેલા અવસાન થયું હોઈ અને બંને સંતાનો રાજસ્થાનમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોઈ તે હાલમાં અત્રે એકલા રહે છે. તેમના ઘરના પહેલા માળે ભાડૂઆતો છે જયારે ઘરનો બીજો માળ અને ગ્રાઉન્ડફ્લોરનો ભાગનો તે ઉપયોગ કરે છે. રાત્ત્રિના અરસામાં તે તેમના ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી પાછળના દરવાજાના ઈન્ટરલોક મારીને અગાશી પર ઉંઘવા માટે ગયા હતા. દરમિયાન મોડી રાત્રિના અરસામાં તસ્કરો તેમના બંધ ઘરમાં ત્રાટક્યા હતા. તેઓએ ઘરના આગળના બેડરૂમની બારીની ગ્રીલના ત્રણ સળિયા કાપી નાખી બારી વાટે ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને પાછળના બેડરૂમનો સામાન વેરણછેરણ કરી ત્યાં મુકેલી તિજોરીમાંથી ત્રેવીસ વર્ષ અગાઉ ખરીદેલા સોનાના આશરે ૨૨ તોલા દાગીના અને સવા કિલો જેટલા ચાંદીના દાગીના અને સિક્કા તેમજ પાઉચમાં મુકેલા રોકડા ૧૦ હજાર સહિત કલુ ૫.૮૯ લાખની મતાની તસ્કરી કરી હતી. સવારના અરસામાં ઘરમાં આવેલા વલ્લભરામને ઘરમાં તસ્કરીની જાણ થતાં તેમણે આ બનાવની હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. જયારે તસ્કરીના બીજા બનાવમાં સમા રસ્તા પર વૃંદાવનપાર્ક સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય સિવિલ કન્સલ્ટન્ટ મહેન્દ્રભાઈ બારભાયાના ઘરમાં ગત ૧૫થી ૧૭ એપ્રિલના સમયગાળામાં ત્રાટકેલા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાની લોખંડની જાળીને મારેલુ તાળું તોડી બેડરૂમમાં રાખેલા લાકડાના કબાટમાંથી રોકડ અને ચાંદીના સિક્કા સહિત ૧૦ હજારની મતાની તસ્કરી કરી હતી જે બનાવની સમા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.