અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને 10 વર્ષની સખત કેદ

copy image

copy image

ગાંધીધામમાં ત્રણ વર્ષ અગાઉ એક સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ના કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. ગાંધીધામમાં રહેનાર 17 વર્ષ સાત માસની એક કિશોરીનું આરોપી વિક્રમ તુલસી માજીરાણા નામના ઈસમે  અપહરણ કર્યું હતું. કિશોરીને ડિસા ખાતે લઇ જઇ તે સગીર વયની છે તેવું જાણતા હોવા છતાં તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ અંગે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ગત વર્ષ 2021ના ગુનો દાખલ થયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આ શખ્સની ધરપકડ કરી હતી. તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી પોલીસે તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બાદમાં આ કેસ અહીંની અધિક સેશન્સ જજ (સ્પેશિયલ પોક્સો જજ)ની કોર્ટમાં ચાલી ગયો હતો જ્યાં સરકાર તરફે સાહેદો, દસ્તાવેજી આધારો, મેડિકલ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશ બી. જી. ગોલાણીએ આરોપી વિક્રમ માજીરાણાને તક્સીરવાન ઠેરવ્યો હતો અને તેને જુદી જુદી કલમો હેઠળ 10 વર્ષની સખત કેદની સજા તેમજ જુદી જુદી કલમો હેઠળ  કુલ રૂા. 40,000નો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ કેદની સજાનો ચુકાદો આપ્યો હતો તેમજ ક્રિમિનલ મેન્યૂઅલ પેરા 209 મુજબ દંડની રકમ વસૂલ થયેથી રૂા. 35000 ભોગ બનનારને તથા વિક્ટીમ કમ્પેન્શેસન સ્કીમ અન્વયે ભોગ બનનારને વળતર પેટે રૂા. એક લાખ વળતર ચૂકવવા ભલામણ કરવામાં આવી હતી. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજાએ હાજર રહી ધારદાર દલીલો કરી હતી.