ચાંદ્રાણી ગામ નજીક બોલેરો કેમ્પરે રિક્ષાને ઠોકર મારતાં તરુણીનું મોત

copy image

copy image

ભુજના હંગામી આવાસમાં રહેતી એક મહિલા તેમની દોહિત્રીની સાથે ધમડકા શેખપીરની દરગાહે ચાદર ચડાવીને રિક્ષામાં પરત ફરી રહ્યા હતા, ત્યારે ચાંદ્રાણી ત્રણ રસ્તા પાસે બોલેરો કેમ્પરે રિક્ષાને ઠોકર મારતાં ૧૫ વર્ષની તરુણીનું મોત નીપજ્યું હતું. જ્યારે મહિલા અને રિક્ષા ચાલકને ઈજા થવાથી સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ભુજના હંગામી આવાસમાં રહેતા ઝરીના યુસુફ સુમરા (ઉ.વ.૪૭) ગુરુવારે તેમની દોહિત્રી જેનાબાઈ હનીફ અખાની (ઉ.વ.૧૫)ને સાથે લઈને ધમડકા શેખપીરની દરગાહે ચાદર ચડાવીને રિક્ષામાં પરત ફરી રહ્યા હતા ત્યારે ચાંદ્રાણી ત્રણ રસ્તા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો કેમ્પરના ચાલકે રિક્ષાને ઠોકર મારતાં સર્જાયેલા અકસ્માતમાં રિક્ષા પલટી ગઈ હતી. આથી રિક્ષામાં બેઠેલા ઝરીનાબેન તેમજ રિક્ષાના ચાલક સફીમામદ હારૂન હાલે પૌત્રાને ઈજાઓ થવા પામી હતી. જ્યારે તેમની સાથે બેઠેલી ૧૫ વર્ષની જેનાબાઈને માથામાં ગંભીર ઈજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત ઝરીનાબેનને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે દુધઈ પોલીસમાં ઝરીનાબેને બોલેરો કેમ્પરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં દુધઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.