માંડવીમાં તસ્કરો બેફામ : વધુ બે મકાનોને નિશાન બનાવ્યું
માંડવીમાં સુંદરવન સોસાયટીની ચોરીનો ભેદ હજુ પણ વણઉકેલ્યો છે, ત્યાં બાજુ-બાજુમાં જ વધુ બે ઘરફોડી પોલીસ મથકે ચડતાં લોકોની ચિંતા વધી છે. નવાપુરામાંથી 1.69 લાખની ઘરેણાની તો તેની સામે જ આવેલા આશીર્વાદ નગરમાંથી 76 હજારની મતાની તસ્કરીની ફરિયાદ નોંધાઈ હતી. માંડવી પોલીસ મથકે નવાપુરામાં રહેતા અને ચાની હોટેલ ચલાવતા અરવિંદ કરશનદાસ મોંઘા સલાટે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 19/9ના મોડી સાંજથી રાતના 11 વાગ્યા સુધી એટલે અમુક કલાકો દરમ્યાન નવાપુરામાં તેમનું ઘર તસ્કરોનું નિશાન બન્યું હતું અને અજાણયા ચોર ઈસમે કબાટમાંથી સોનાના ઘરેણા, જેમાં 30 ગ્રામની પોંચી, છ વીંટી 12 ગ્રામ, 11 ગ્રામની બંગડી, 10 ગ્રામની ચેન, ચાર ગ્રામના ત્રણ પેન્ડલ, આઠ ગ્રામના કાપ એમ અંદાજે કુલે 65 ગ્રામના સોનાના વિવિધ દાગીના જેની કિં. રૂા. 1,69,000ની ચોરી કરી લઈ ગયા છે. આ ઉપરાંત માંડવીના આશીર્વાદ નગરમાં રહેતા દેવરાજ ધોરિયાએ માંડવી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 20/9ના રાતના 11થી બીજા દિવસની સવાર સુધી તેમના ઘરમાંથી અજાણ્યા ચોર ઈસમો રોકડા રૂા. 50,000, સોનાની વિંટી કિં. રૂા. 21,000 અને ચાંદીની વીંટી કિં. રૂા. 5 હજાર એમ અંદાજે રૂા. 76,000ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા. માંડવી પોલીસે બન્ને ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એક જ દિવસના સમયગાળા દરમ્યાન સામ-સામા બે વિસ્તારમાંથી ઘરફોડી થતાં લોકો ચિંતિત બન્યા છે. પોલીસ ચોકી-પહેરો સઘન બનાવે તેમજ આવા ચોર તત્ત્વો સામે ઝડપી ધાક બેસાડતાં પગલાં ભરે તેવી લોક દ્વારા માંગ ઊઠી હતી.