પાનેલી ગામની વાડીમાં બીલ બનાવવા ગયેલા વીજકર્મીને માર મરાયો
લખપત તાલુકાના પાનેલી ગામની વાડીમાં બીલ બનાવવા માટે ગયેલા પીજીવીસીએલના કર્મચારીને બીલ બનાવવાની ના પાડી ધકબુશટનો માર મરાતા ફરિયાદ નોધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી જુનિયર આસીસ્ટન્ટ વિપુલકુમાર પ્ર અરવિંદકુમાર ચૌહાણે દયાપર પોલીસ મથકે આરોપી પરાક્રમસિંહ વાઢેર વિરુદ્ધ ગુનો નોધાવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ પોતે શનિવારે પાનેલી સીમમાં આવેલ નીરવકુમાર આચાર્યની વાડીમાં બીલ બનાવવા માટે જતા હતા. એ દરમિયાન આરોપી આવ્યો હતો અને આ વાડી પોતાના કબ્જામાં હોવાનું કહી મીટર બંધ હોવાથી બીલ બનાવવાની ના પાડી હતી.જેથી ફરિયાદીએ નિયમ મુજબ બીલ બનાવવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ ભૂંડી ગાળો બોલી ધકબુશટનો માર મારી ફરજમાં રુકાવટ કરી હતી. બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.