ગાંધીધામમાં રૂા. 3.14 લાખના શરાબના જથ્થા સાથે એકની ધરપકડ
ગાંધીધામના રેલવે મથકથી ગૂડઝ સાઇડ વચ્ચે મેલડી માતાનાં મંદિર પાસે સર્વિસરોડ પરથી એક છકડામાંથી પોલીસે રૂા. 3,14,400ના મોઘા દારૂ સાથે એક ઈસમને પકડી પાડયો હતો. ભચાઉનો આ ઈસમ દારૂ કોને આપવા આવી રહ્યો હતો તેના ઉપર હજુ પડદો ઢંકાયેલો છે. ભચાઉમાં રહેનાર ઈસમ છકડામાં દારૂ ભરીને ગાંધીધામ આવી રહ્યો હોવાની પૂર્વ તથા સચોટ બાતમીના આધારે પોલીસે રેલવે મથક-ગૂડઝ શેડ વચ્ચે મેલડી માતાનાં મંદિર પાસે વોચ ગોઠવી હતી. અહીંથી પસાર થનારા વાહનોની ચેકિંગ કરાઇ રહી હતી, દરમ્યાન છોટાહાથી (છકડો) આવતાં પોલીસે તેને રોકાવ્યો હતો. છકડામાં પાછળના ભાગે નકુચા ખોલી તપાસ કરાતાં અંદર મીણિયામાં વીંટળાયેલી દારૂની પેટીઓ મળી આવી હતી. દરમ્યાન નવી ભચાઉમાં રહેતા વિનોદ દશરથ સાધુ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. છકડામાંથી જોની વોકર, રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી 750 એમ.એલ.ની 48 બોટલ, બેલેન્ટાઇન્સ ફિનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી 750 મિ.લિ.ની 84 બોટલ તથા બ્લેક એન્ડ વ્હાઇટ સ્કોચ વ્હીસ્કી 750 મિ.લિ.ની 36 એમ કુલ 168 બોટલ કિંમત રૂા. 3,14,400નો મોંઘા પ્રકારનો દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો. પકડાયેલા ઈસમ પાસેથી દારૂ, છકડો, મોબાઇલ એમ કુલ રૂા. 5,74,400નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેણે આ દારૂ દિલ્હીના અમિત મહાલકા ઉર્ફે ગુલ્લી પાસેથી મેળવ્યો હોવાની કેફિયત આપી હતી, પરંતુ ગાંધીધામમાં તે કોઇ લીકર શોપમાં જઇ રહ્યો હતો કે કોઇ બુટલેગરને આ માલ આપવા જઇ રહ્યો હતો તે હજુ બહાર આવ્યું ન હોતું.