ગાગોદરમાં કાર અથડાવી પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજાવવાનાં કેસમાં આરોપીને કેદની સજા
copy image

ગાગોદર રોડ પરનાં વરૂડી માતાજીનાં મંદિર પાસે શંકાસ્પદ સ્કોર્પિયો કારનો પીછો કરી રહેલા આડેસર ચેકપોસ્ટના કર્મચારી દ્વારા ગાગોદર પોલીસ મથકના કોન્સ્ટેબલને સ્કોર્પિયો કાર અથડાવી મૃત્યુ નીપજાવવાના નવ વર્ષ જૂના કેસમાં રાપર દ્વારા કોર્ટે આરોપીને કેદ અને દંડની સજા ફટકારવામાં આવી હતી. કેસની વિગતો મુજબ આરોપી આડેસર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હતા, તે દરમિયાન એક શંકાસ્પદ કાળા કલરની સ્કોર્પિયો કાર નીકળી હતી, જે ચેકપોસ્ટ પર ઊભી ન રહેતાં આરોપીએ પ્રાઈવેટ સ્કોર્પિયો કાર દ્વારા તેનો પીછો કર્યો હતો. ગાગોદર પોલીસ મથકમાં આ અંગે જાણ કરતાં ગાગોદર પોલીસ મથકના કોન્સ્ટેબલ હસમુખભાઈ આ કારને ઊભી રખાવવા વરૂડી માતાનાં મંદિર પાસે રોડ ઉપર ઊભા હતા. આ શંકાસ્પદ કારને હસમુખભાઈ ઊભી રખાવવા પ્રયત્ન કરતા હતા, પરંતુ આ કાર ઊભી ન રહી, પરંતુ પીછો કરી રહેલી આડેસર ચેકપોસ્ટના કર્મચારીની કાર પાછળ ઓવર સ્પીડમાં આવી રહી હતી, જેના ચાલક પ્રદીપકુમાર કારને કાબૂ ન કરી શકતાં આ કાર પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈને ભટકાઈ હતી, જેથી કોન્સ્ટેબલ હસમુખભાઈનું આ અકસ્માતમાં મૃત્યુ નીપજયું હતું. નવ વર્ષ જૂના આ કેસમાં તમામ પુરાવા, સાહેદોને ચકાસી, બંને પક્ષના વકીલોની દલીલો સાંભળી રાપર અદાલતે આરોપી પ્રદીપકુમાર સતવીરાસિંગને તકસીરવાન ઠેરવી અલગ અલગ એક વર્ષની સાદી કેદ, બે હજાર રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો એક માસની સાદી કેદ તથા ત્રણ માસની સાદી કેદ અને પાંચસો રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો 10 દિવસની સાદી કેદની સજા ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષે વકીલ એ.પી.પી. વી.કે. હઠીલા રહ્યા હતા.