ભુજની મથુરાગ્રીન સોસાયટીના બંધ મકાનમાંથી 3 લાખની ચોરી
copy image

ભુજની ભાગોળે એરપોર્ટ રોડ પર મથુરા ગ્રીન સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ છ હજાર અને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂા. 3,01,100ની ચોરી કરી હતી . આ ચોરી અંગે માનકૂવા પોલીસ મથકે મથુરા ગ્રીન સોસાયટી મકાન નં. 226માં રહેતા અને ઢોરીમાં સી.એચ.સી.માં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા મિતેશકુમાર દિનેશભાઇ મોતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ બપોરના અરસામાં એકાદ વાગ્યે ઘર બંધ કરી ફરિયાદી તથા તેમના પત્ની બંને શ્રાદ્ધ પ્રસંગમાં ભુજ ગયા હતા અને રાત્રે સંયુક્ત પરિવાર સાથે મોટા યક્ષના મેળામાં ગયા હતા અને રાત્રે સાડા ત્રણેક વાગ્યે ઘરે પરત ફરતાં મકાનનો ગેટ ખુલેલો હતો અને મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં સામાન વેરવિખેર હતો. બેડરૂમના લોખંડના કબાટમાંથી અજાણ્યા ચોર ઇસમો સોનાનો ચંદનહાર, ચેઈન, પેન્ડલ, બુટ્ટી સેટ, બે જોડી બુટ્ટી, ત્રણ વીંટી, ચુડી બે જોડી, પાંચ નાકની સળી એમ આશરે 47.6 ગ્રામ સોનું કિં. રૂા. 2,85,600 તથા ચાંદીનું બ્રેસલેટ, ત્રણ જુડા એમ 13 ગ્રામ ચાંદી કિં. રૂા. 6500 તથા ચાંદીની પગની કેડી છ જોડી કિં. રૂા. 3000 અને રોકડા રૂા. 6000 એમ કુલ રૂા. 3,01,100ની મતાની ચોરી કરી લઇ ગયા હતા. માનકૂવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.