ગાંધીધામમાં લારીવાળાઓ વચ્ચેની બબાલમાં યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો
copy image

ગાંધીધામના ઓમ સિનેમા સામે ઊભા રહેતા લારીવાળાઓ વચ્ચે ઝઘડો થતાં બે ઇસમોએ એક યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો તો સામા પક્ષે બે લોકોને ઇજાઓ થઇ હતી અને બાદમાં દુકાનમાં તોડફોડ અંગે ફરિયાદ નોંધાઇ હતી. ગાંધીધામના સુંદરપુરીમાં રહેનાર ફરિયાદી રવિ ચકુ લાબડિયા (ભરવાડ) તથા કિશન હીરા ભરવાડ, જિગર હીરા ભરવાડ નામના મિત્રો બાઇક લઇ અંતરજાળ ખાતે તા. 21/9ના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં મોડું થયા બાદ ઓમ સિનેમા સામે પોતાના મિત્ર યુવરાજ વિહા રાજપૂતની લારીએ પિઝા ખાવા માટે ગયા હતા જ્યાં બાજુની લારીવાળા જેકીભાઇ તથા અન્ય ઇસમો બોલાચાલી કરતા હોવાથી ફરિયાદી રવિ બાજુની લારીવાળા જેકી પાસે જઇ શું થયું પૂછતાં જેકી સાથે રહેલા દાઢીવાળા શખ્સે ગાળાગાળી કરી અણીયાળા મોટા સુઇયા જેવા હથિયારથી ફરિયાદીની છાતીમાં ઘા ઝીંકી દીધો હતો અને જેકીએ લોખંડના પાઇપથી ફરિયાદીને માર માર્યો હતો. યુવાન પર જીવલેણ હુમલો થતાં તેને વધુ સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ગાંધીધામના વોર્ડ 9-એઇમાં રહેતા અને ઓમ સિનેમા સામે લારી ચલાવતા જયેશ કિશનચંદ કોડવાણીએ યુવરાજ તથા આઠેક અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીનો દીકરો લારીએ હતો ત્યારે બે-ત્રણ માણસો આવીને ગાળાગાળી કરતા હોવાનો ફોન કરતાં ફરિયાદી લારીએ ગયા હતા. બાજુની લારીવાળા યુવરાજ તથા બે-ત્રણ શખ્સોએ ધકબુશટનો માર માર્યો હતો. બાદમાં અન્ય લોકોને બોલાવતાં પાંચ-છ અન્ય શખ્સો ત્યાં આવ્યા હતા અને ફરિયાદીના ગ્રાહક તરીકે આવેલા અમર તથા દીપુ નંદુને માર માર્યો હતો. બાદમાં મોડીરાત્રે આવી લારીમાં નુકસાન પહોંચાડયું હતું. બનાવ અંગે બંને પક્ષોની ફરિયાદ પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.