રામપરમાં કંપનીની સાઇટ પરથી 3.13 લાખના વાયરની તસ્કરી
copy image

ભચાઉ તાલુકાના રામપરમાં આવેલી કંપનીની સાઇટ પરથી તસ્કરોએ જુદી જુદી તારીખે રૂા. 3,13,950ના વાયરની ચોરી કરી હતી તેમજ ચાલીસેક જેટલા વાયરમાં નુકસાન પહોંચાડયું હતું. રામપર-હલરા અવાડા સોલાર કંપનીમાં સોલાર પ્લેટ લગાડવાનું તથા બાઉન્ડ્રી-ફેન્સિંગનું કામ ચાલી રહ્યું છે. આ કંપનીમાં પાયનિયર સિક્યોરિટી અમદાવાદના 55 જેટલા ખાનગી સુરક્ષાકર્મી કામ કરી રહ્યા છે. અહીંથી તા. 28/8 અને 29/8 તથા 11/9 અને 12/9ની રાત્રે ચોરી થઇ હતી તેમજ તા. 16/9 અને 17/9 દરમ્યાન વાયરોમાં નુકસાન કરવામાં આવ્યું હતું. ચોરીના આ બનાવને લગભગ મહિનો થવા આવ્યો ત્યારે રાતના અરસામાં આ બનાવ પોલીસ મથકે ચડયો હતો. અંદર ઘૂસેલા તસ્કરોએ બ્લોક નં. 7 પરથી 300 એસ.ક્યુ.એમ.એમ. ડી.સી. વાયર કુલ 975 મીટર કિંમત રૂા. 3,13,950ની ચોરી કરી હતી તેમજ સોલાર પ્લેટથી ઇન્વર્ટરને જોડતા 40 જેટલા વાયર કાપી નાખી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. બનાવ અંગે ગાંધીધામના મહેન્દ્રકુમાર લાલારામ ભાટીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.