આદિપુરમાં કિશોરીની પજવણી કરનારા ઈસમને એક વર્ષની કેદની સજા
copy image

આદિપુરમાં કિશોરીને હેરાન-પરેશાન કરી છેડતીના પ્રકરણમાં કોર્ટે આરોપીને તક્સીરવાન ઠેરવી જુદી જુદી કલમો હેઠળ એક વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આદિપુર પોલીસ મથકે જયેશ વેલા કાંઢેચા વિરુદ્ધ વર્ષ 2020માં ફરિયાદ નોંધાઇ હતી. તેણે 15 વર્ષીય કિશોરીને પ્રેમ કરે છે, તેવું કહી ભોળવી લઇ તેને મોબાઇલ આપ્યો હતો, જેના પર સોશિયલ મીડિયા થકી તેની સાથે વાતો કરી હતી, જે અંગે ફરિયાદીને જાણ થતાં તેમણે પોતાની દીકરીને વિશ્વાસમાં લઇ મોબાઇલ બંધ કરી નાખ્યો હતો. કિશોરી શાળાએથી આવતી-જતી ત્યારે તેનો પીછો કરી વાતચીત નહીં કરે તો અગાઉ કરેલ મેસેજ અને રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી બાદમાં તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું, જે અંગે ફરિયાદ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઇ હતી. આ કેસ અહીંની અધિક સેશન્સ જજ (સ્પેશિયલ પોક્સો જજ)ની કોર્ટમાં ચાલી ગયો હતો, જ્યાં તમામ આધાર-પુરાવા, સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને તક્સીરવાન ઠેરવવામાં આવ્યો હતો અને તેને જુદી જુદી કલમો હેઠળ એક વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂા. 12,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ સજાનો ચુકાદો ન્યાયાધીશ બી. જી. ગોલાણીએ આપ્યો હતો તેમજ ભોગ બનનારને વળતરરૂપે દંડની રકમમાંથી રૂા. 10,000 આપવાનો આદેશ કરાયો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજાએ હાજર રહી તર્કબદ્ધ રીતે દલીલો કરી હતી.