મોટા યક્ષના મેળામાં 18 મોબાઇલઓની ચોરી : બે ચોર ઝડપાયા
copy image

કચ્છના મિની તરણેતર ગણાતા મોટા યક્ષનો મેળો જામ્યો છે. આનો ગેરલાભ લેવા તસ્કરોની ટોળકી પણ અહીં પહોંચી છે. અહીં મોબાઇલની સિલસિલાવાર ચોરી વચ્ચે આ કામના બે ચોરને પોલીસે ઝડપી પાડયાનું જાણવા મળ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચાલીસથી વધુ મોબાઇલ તથા મહિલાઓના ગળામાંથી બે સોનાંની ચેઈનની ગુંડા તત્ત્વો દ્વારા ચીલઝડપ કરાઇ હતી. પૈકીની એક મહિલાની સોનાંની ચેઈન તથા 18 જેટલા હલકા-ભારે કિંમતના મોબાઇલ સેરવાયાની નખત્રાણા પોલીસને ફરિયાદ કરાઇ હતી. ચોરોને પકડવા પોલીસ તંત્ર દ્વારા થયેલી કાર્યવાહીમાં ચોર ઉઠાવગીરની ધરપકડ કરાઇ હતી, જેમાં અશ્વિન ભરત મકવાણા (રહે. સામખિયાળી) તથા વિજય ચનાભાઇ ચાવડા (મડિયાસર તા. રાજકોટ)નો સમાવેશ થાય છે. આ બંનેને પાલારા જેલ હવાલે કરાયા છે. બીજી તરફ નખત્રાણા પોલીસ મથકે, નખત્રાણાના વિજયરાજ સુરતાજી સોઢાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ પરિવાર સાથે મોટા યક્ષનો મેળો માણવા ગયા હતા, ત્યારે મેળામાંથી તેમનો સેમસંગ ગેલેક્સી-24 અલ્ટ્રા મોબાઇલ ફોન કિં. રૂા. એક લાખની ચોરી થઇ હતી. ફરિયાદીથી અથડાઇ બે અજાણ્યા ઇસમો ઝડપભેર નીકળી ગયા હતા અને બાદમાં ફરિયાદીનો મોબાઇલ ગુમ હતો, આથી તેના પર શંકા-વહેમ હોવાનું ફરિયાદમાં લખાવાયું હતું.