સગીરાની છેડતી અને અપહરણના બે કેસમાં બે શખ્સોના જામીન મંજૂર
copy image

ભુજ તાલુકાના એક ગામમાં સગીરાની છેડતી અને અન્ય ગામમાં સગીરાના અપહરણના કેસમાં બંને આરોપીના જામીન મંજૂર થયા હતા. ભુજ તાલુકાના એક ગામમાં સગીરની છેડતી અને પોક્સો તથા એટ્રોસિટી હેઠળ આરોપી અજીજ સુલેમાન શેખ (માકવાણી) રહે. સુમરાસર શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. તેની અટક કરી જેલ હવાલે કરાયા હતા. આરોપીએ ભુજની સ્પે. સેશન્સ અદાલતમાં જામીન મેળવવા અરજી કરતાં બંને પક્ષોની દલીલ સાંભળી કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. આરોપીના એડવોકેટ તરીકે કે.પી. ગઢવી, ભાવિકા ભાનુશાલી, પ્રિયા આહીર હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભુજ તાલુકાના એક ગામની સગીર વયની યુવતીના અપહરણના ગુનાનો આરોપી કરીમ ઉર્ફે અભલુ સિધિક મમણ (રહે. નાના વરનોરા-તા.ભુજ) વિરુદ્ધ નોંધાયો હતો, તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. આરોપીએ સ્પે. પોક્સો કોર્ટ-ભુજ સમક્ષ જામીન મુક્ત થવા અરજી કરતાં તેના જામીન શરતોને આધીન મંજૂર થયા હતા. આરોપીના એડવોકેટ તરીકે આસીફઅલી એ. અન્સારી તથા સાહેબા એ. પઠાણ હાજર રહ્યા હતા. એન.ડી.પી.એસ.ના કેસમાં જામીન : મૂળ બિહાર હાલે મુંદરાના આરોપીની એન.ડી.પી.એસ.ના કાયદા હેઠળના આક્ષેપો સાથે અટક કરવામાં આવી હતી. જેમાં આરોપીએ ભુજના છઠ્ઠા અધિક સેશન્સ (સ્પે. એનડીપીએસ)ની કોર્ટમાં જામીન અરજી કરતાં કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. આરોપીના વકીલ તરીકે કમલેશ પી. કારિયા, લાલજી એલ. બુચિયા હાજર રહ્યા હતા.