મેઘપર બોરીચીની સોસાયટીમાં બે ઠગબાજો રૂ.૧.૫૦ લાખના દાગીના લઈ છૂ થઈ ગયા
copy image

મેઘપર બોરીચી ખાતે જલારામ નગર સોસાયટીના મકાન નં.૪૧માં રહેતા કિશોરભાઈ લાલજીભાઈ પટેલના ઘરે ગત તા.૨૩ના બપોરે ૧ વાગ્યે બે લોકોએ આવીને પીવા માટે પાણી માગતાં ઘરે હાજર સાસુ-વહુએ આગંતુકોને પાણી આપતાં બંનેએ ડોકમાં પહેરેલી માળામાં હાથ અડાડીને પાણીનો ગ્લાસ લેવાની સાથે કહ્યું હતું કે, અમે પાંતિયાથી આવીએ છીએ અને પટેલ છીએ. આમ, વાતો શરૂ કરતાની સાથે ઘરમાં આવીને બેસી ગયા હતા. આ ઉપરાંત રામદેવપીરનાં આખ્યાનની વાતો શરૂ કરતા સાસુ-વહુએ બંનેને ચા પીવડાવી હતી. આ સમયે પરિવારનો યુવાન પુત્ર પણ જમવા માટે ઘરે આવતાં તેના પર પણ વશીકરણ જેવું કાંઈ કરી નાખ્યું હતું. બાદમાં, પાણીના ગ્લાસમાં મીઠું નાખીને સાસુ, વહુ અને દીકરાને પીવડાવીને ઘરમાંથી સોનાની બે વીંટી, બે ચેન સહિત દોઢેક લાખ રૂપિયાના દાગીના લઈ બંને છૂ થઈ ગયા હતા. સમગ્ર મામલે ઠગાઈનો ભોગ બનેલા પરિવારે અંજાર પોલીસને જાણ કરતાં તપાસ અને ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. નોંધનીય છે કે, વિકાસની હરણફાળ વચ્ચે ઠગાઈના પણ નિત-નવા મામલા બહાર આવે છે. અલબત્ત, લોકોને ઠગાઈનો ભોગ બનતાં અટકાવવા અનેક જાગૃતિના કાર્યક્રમો તેમજ પોલીસ સહિત દ્વારા કેટલીક બાબતોની કાળજી રાખવા માટે અનુરોધ કરાય છે, પરંતુ લેભાગુ તત્ત્વોના મલીન ઈરાદા સામે ભોળપણ, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, લાલચ સહિતના અનેકવિધ કારણોને લઈને લોકો ઠગાઈનો શિકાર બનતા રહે છે. ખરેખર ઠગાઈથી બચવા લોકોએ સ્વયં જાગૃતિ કેળવવાની જરૂરિયાત છે. આ ઉપરાંત જરૂરિયાત જણાય તો તત્કાળ પોલીસની મદદ લેવી જોઈએ.