માધાપરની જમીનના મામલામાં કલેક્ટરને હાઇકોર્ટમાં હાજર થવા ફરમાન
copy image

માધાપરમાં સ્કૂટર-મોપેડનું રિપેરિંગ કામ કરતા રાજેશ રણછોડ સુતારે પોતાના વર્કશોપ માટે માધાપરમાં સર્વે નં. 568 પૈકીની 300 ચો.મી. જમીન માટે કલેક્ટર પાસે માગણી કરતી અરજી કરી હતી. આ જમીન રહેણાક વિસ્તારમાં આવતી હોઇ પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્યને અસર કરે તેમ દર્શાવી અરજી નામંજૂર કરી હતી. આજ સર્વે નં.માં પહેલેથી જ ત્રણ જમીન ફાળવવામાં આવી હોવાથી અને હાલ અસ્તિત્વમાં હોતાં કલેક્ટરના હુકમથી નારાજ થઇ અરજદારે સેક્રેટરી (વિવાદ) રેવેન્યૂ ડિપાર્ટમેન્ટ સમક્ષ અપીલ-રિવિઝન અરજી કરતાં તેમના તરફથી માગણી મુજબની જમીન ફાળવવા હુકમ કર્યો છતાં તે હુકમનું પાલન ન કરી, જમીન નામંજૂર કરી, આથી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી. આ રીટ પિટિશનના અંતે હાઇકોર્ટે સંયુક્ત સચિવ (વિવાદ)ના હુકમનો ટ્રુસ્પીરિટથી અમલ કરવા હુકમ કર્યો. આ હુકમનો પણ અમલ લગભગ એક વર્ષ સુધી ન થતાં અરજદારે ફરી હાઇકોર્ટનો આશરો લીધો. આથી કોર્ટે હુકમની અમલવારી ચાર અઠવાડિયામાં કરવા આદેશ આપ્યો, જેને પણ કલેક્ટરે ન માની ફરી અરજદારની માગણી નકારતાં અરજદારે ફરીથી હાઇકોર્ટમાં સ્પે. સિવિલ એપ્લિકેશન દાખલ કરી, જેની સુનાવણીના અંતે હાઇકોર્ટે કલેક્ટરને એસ.સી.એ.માં પર્સનલ કેપેસિટીમાં જોડી તેમને તા. 8/10/24ના હાજર થવા અને હાઇકોર્ટના અનાદર બદલ સુઓમોટો કન્ટેમ પ્રોસીડિંગ શા માટે ન કરવું તેને લગતા સોગંદનામા સાથે હાજર થવા આદેશ કર્યો હતો. આમ, વહીવટી તંત્રના આ અભિગમની રાજ્યની વડી અદાલતે ગંભીર નોંધ લીધી હતી. આ કેસમાં સ્પે. સેક્રેટરી (વિવાદ) સમક્ષના કેસમાં એડવોકેટ ઇન્દ્રવદન આર. મહેતા જ્યારે હાઇકોર્ટ સમક્ષ અરજદાર વતી એડવોકેટ અવિનાશ આર. ઠક્કર તેમજ શિવાંગ અવિનાશ ઠક્કરે હાજર રહી દલીલો કરી હતી.