અંજારના સરકારી તબીબને હનીટ્રેપમાં ફસાવાનો પ્રયાસ:30 લાખની માંગ

અંજાર તાલુકાના આરોગ્ય અધિકારી એવા સરકારી તબીબને આશાવર્કર તરીકે નોકરી અપાવવા કહી ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવી તબીબ પાસેથી રૂા. 50,000 પડાવી લેવામાં આવ્યા હતા. બાદમાં તેમની પાસેથી આઠ ચેક મેળવી લઇ રૂા. 30 લાખની રકમ માગી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. અંજારના વર્ધમાનનગરમાં રહેતા અને 14 વર્ષથી અંજાર તાલુકા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. રાજીવ અરવિંદ અંજારિયાએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 17/8 પહેલાં વ્હોટસએપ પર મહિલાએ મેસેજ કરી પોતાને આશાવર્કર તરીકે મેઘપરમાં કામ કરવું છે. ફરિયાદીએ જવાબ ન આપતાં મહિલાએ ફોન કરી આશાવર્કરની માહિતી જોઇએ છે તેમ કહી રૂબરૂ વાત કરવાનું કહી ફરિયાદીને મળવા રૂબરૂ આવી હતી. આશાવર્કરની જગ્યા ખાલી હશે તો કહીશ તેમ કહી ફરિયાદીએ મહિલાનું નામ પૂછતાં તેણે નર્મદા વાળંદ નામ આપ્યું હતું. બાદમાં મહિલા દરરોજ ફરિયાદીને જુદા જુદા મેસેજ કરતી હતી અને ચા-પાણી કરવા ઘરે બોલાવતી હતી. ફરિયાદી અબડાસા ખાતે ડેપ્યુટેશન પરથી પરત તા. 20/9ના આવતાં તા. 21/9ના મહિલાએ અંતરજાળ મળવા બોલાવ્યા હતા અને મારા માતા-પિતા વાત કરવા માગતા હોવાનું કહ્યું હતું. કચેરીના અન્ય કર્મચારી ગાંધીધામ તાલુકા પંચાયત ખાતે અન્ય કામથી જતા હોઇ ફરિયાદી તેમની સાથે બેસીને અંતરજાળ ખાતે મહિલાના ઘરે ગયા હતા ત્યારે અન્ય કર્મી તાલુકા પંચાયતમાં ગયા હતા. આ મહિલાએ ફરિયાદીને રૂમમાં બેસાડી બાદમાં અચાનક કપડા ઉતારવા લાગતાં તેવામાં એક શખ્સ અંદર ઘૂસી આવી ફરિયાદીને માર મારી મારી જિંદગી બરબાદ કરી નાખી, ફરિયાદીના કપડાં ઉતરાવી મહિલા સાથે વીડિયો બનાવ્યો હતો અને પોતે આ મહિલાનો પતિ દિનેશ વાળંદ હોવાનું કહી ફસાવી દેવાની ધમકી આપી રૂા. 30 લાખની માંગ કરી હતી અને વીડિયો વાયરલ કરી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ત્રણેય ફરિયાદીની કચેરીએ જતાં આ સરકારી તબીબે રૂા. 50,000 કઢાવી અને આરોપીઓને આપી દીધા હતા. આ શખ્સે તબીબ પાસેથી આઠ ચેક મેળવી તેમાં બે કોરા રાખી બાકીનામાં રૂા. પાંચ-પાંચ લાખની રકમ ભરી લીધી હતી અને રૂપિયાની વ્યવસ્થા થાય તો ફોન કરવા ધમકી આપી હતી. આરોપીએ ફરિયાદીને બાદમાં વારંવાર ફોન કરી પછી ઓફિસે આવી પોતાનું સાચું નામ ગુલામ હાજી હોવાનું કહ્યું હતું અને આવતીકાલ સુધીમાં પૈસા નહીં આપો તો બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. દરમ્યાન, આ સરકારી તબીબે આદિપુર પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી. સરકારી તબીબને હનીટ્રેપમાં ફસાવવાના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.