પરસ્ત્રીથી સંબંધ રાખી પત્નીને માનસિક ત્રાસ આપવાના કેસમાં આરોપીને કેદની સજા

copy image

copy image

એક પત્ની હયાત હોવા છતાં પાંચ સંતાનના પિતા એવા આરોપીએ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી પત્નીને  માનસિક ત્રાસ આપવાના કેસમાં આરોપીને વિવિધ કલમો તળે  કેદ અને રોકડ દંડ કરી સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો રાપરની અદાલત દ્વારા સંભળાવવામાં આવ્યો હતો. કેસની વિગતો મુજબ સેલારી ગામના આમીન જાનમામદ નોડેનાં લગ્ન ફરીયાદી હનીફાબેન સાથે તા. 11/5/2004નાં થયા  હતા. પાંચ વર્ષ પહેલાં આમીન નોડે પત્ની અને સંતાનોને મુકી અન્ય સ્ત્રી સાથે ભાગી ગયો હતો. ચાર વર્ષ પછી એટલે કે એક વર્ષ પહેલાં આમીન તે સ્ત્રી સાથે પરત સેલારી આવી રહેવા લાગ્યો હતો. એક જ આંગણામાં પત્ની સામે જ રહેતો આરોપી આમીન નોડે અવારનવાર પત્નીને ગાળો આપી માનસિક ત્રાસ આપતો હતો અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતો હતો. છેવટે કંટાળીને ફરીયાદી એવી તેની પત્ની હનીફાબેને આદીપુર મહિલા પોલીસ મથકમાં તેમના પતિ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ નોંધાવ્યા બાદ પણ કાઉન્સેલીંગ માટે બોલાવવામાં આવતાં આરોપી પતિ હાજર રહ્યો ન હતો. આ  કેસ રાપર જયુડીશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ)ની કોર્ટમાં ચાલી જતાં તમામ પુરાવા, સાહેદોને ચકાસી બંને પક્ષની દલીલોને  સાંભળી હતી.   આરોપી આમીન જાનમામદ નોડેને તકસીરવાન ઠરાવી બે વર્ષની સખત કેદ તથા રૂપિયા 1000 દંડ જો દંડ ન ભરે તો વધુ એક માસની સખત કેદ ઉપરાંત ત્રણ માસની સાદી કેદ અને રૂપિયા 500 દંડ, જો દંડ ન ભરે તો પાંચ દિવસ સાદી કેદ, ઉપરાંત આઈ.પી.સી.ની કલમ 506(2) મુજબ વધુ એક વર્ષની સખત કેદ તથા એક હજાર રૂપિયા દંડ અને દંડ ન ભરે તો પંદર દિવસ સાદી કેદનો સળંગ સજા કરતો સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો આપ્યો હતો. સરકાર  પક્ષે એ.પી.પી. વી.કે. હઠીલાએ હાજર રહી દલીલો કરી હતી.