અદ્યતન સુવિધાઓથી સજ્જ નવીન આઠ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા

રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાની આરોગ્ય સુવિધાઓમાં વધારો થાય તે માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ કુલ આઠ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આજરોજ જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ લીલીઝંડી આપીને નવીન આઠ ૧૦૮ એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ નવીન ૧૦૮ એમ્બ્યુલન્સનું નીરીક્ષણ કરીને ટેલી-મેડિસીન જેવી આધુનિક સુવિધાઓને લોકોને લાભ મળશે તેમ ઉમેર્યું હતું.
કચ્છ જિલ્લામાં ઈમરજન્સી દરમિયાન સારવાર હેતુ ૪૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા રાત દિવસ લોકો માટે ઉપલબ્ધ છે. અમુક એમ્બ્યુલન્સના કિલોમીટર પૂર્ણ થતા નિયમોનુસાર તેના સ્થાને સરકારશ્રી દ્વારા જિલ્લાને નવી આઠ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. ભારાપર, વર્માનગર, મોથાળા, દહીંસરા, દૂધઈ, આડેસર, જનાણ અને ભીમાસરના ૧૦૮ પોઈન્ટ ઉપર આ નવી એમ્બ્યુલન્સ આરોગ્ય સેવામાં કાર્યરત થશે તેમ કચ્છની ૧૦૮ સેવાના ઈમરજન્સી મેનેજર એક્ઝિક્યુટિવ શ્રી રાહુલ વસાવા દ્વારા જણાવાયું છે.