ભરૂચમાં રહેતી ૧૫ વર્ષીય યુવતીને ભગાડી જતાં આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

ભરૂચ શહેરમાં આવેલી એક સોસાયટીમાં રહેતાં પરિવારની પુત્રી ગુમ થઇ હતી. કોર્ટમાં પટાવાળાની નોકરી કરતો યુવાન તેમની પુત્રીનો પીછો કરતો હોવાથી તેના ઘરે તપાસ કરતાં તે પણ ગુમ હોવાથી તે જ તેમની પુત્રીને ભગાડી ગયાંની રાવ સાથે તેમણે ભરૂચ શહેર "એ" ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં રહેતાં એક પરિવારની પુત્રી ધોરણ 10માં અભ્યાસ કરે છે. પરિવાર નિત્યક્રમ મુજબ રાત્રીના સમયે પોતાના ઘરમાં સુઇ ગયો હતો.તે સમય દરમિયાન મળસ્કે યુવતીના પિતા લઘુશંકા કરવા માટે ઉઠતાં તેમણે ઘરની લાઇટ ચાલુ કરતાં તેમની પુત્રી ઘરમાં જણાઇ ન હતી. તેમણે તુરંત તેમની પત્નીને ઉઠાડતા તેમણે પણ વોશરૂમમાં તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. જોકે, તે મળી ન હતી. જેથી તેમણે આજુબાજુમાં રહેતાં સગાસંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં તેનો પત્તો લાગ્યો ન હતો.આ અરસામાં તેમની પુત્રી ટ્યૂશને જતી હતી. તે વખતે ભરૂચ કોર્ટમાં પટાવાળાની નોકરી કરતો અને શહેરના લીમડીચોક દત્તમંદિર પાસે રહેતો એક શખ્સ તેની પુત્રી પાછળ આંટા-ફેરા મારતો હતો. જેના પગલે તેને પરિવારે સમજાવ્યો હતો. તેમની પુત્રી ઘરેથી ગુમ થઇ હોવાથી પરિવારે તેના ઘરે તપાસ કરતાં તે પણ ગુમ હોવાનું તેમજ તેનો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તે જ તેમની પુત્રીને લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની ફરિયાદ "એ" ડિવિઝન પોલીસમાં નોંધાવી હતી.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ