રાપરનાં આડેસરમાં ગરબી જોઈ ઘરે જતી યુવતી પર બળાત્કારથી ચકચાર
રાજ્યના ગૃહમંત્રી આજે કચ્છની મુલાકાતે આવ્યાં છે ત્યારે જ દુષ્કર્મનો બનાવ બહાર આવતાં પોલીસ ખાતામાં ભારે દોડધામ મચી
ગાંધીધામ ટુડે, ન્યૂઝ: વડોદરા અને સુરતમાં સગીરા સાથે થયેલાં દુષ્કર્મના બનાવોની ચકચાર હજુ શમી નથી ત્યાં કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે ગરબી જોઈને પરત ફરી રહેલી દલિત યુવતી પર પેવર બ્લોકના કારખાનેદારે બળાત્કાર ગુજારતાં ભારે દોડધામ મચી છે. આ અંગે મળતી માહિતી મુજબ આડેસરમાં રહેતી ૧૮ વર્ષ ૪ મહિનાની યુવતી ૭-૧૦-૨૦૨૪ની રાત્રે ૧ વાગ્યે ગરબા જોઈને ઘરે પરત ફરતી હતી તે સમયે તેને અચાનક ચક્કર આવી ગયાં હતાં. જેથી સંજય નામનો યુવક તેને નજીકમાં આવેલા પેવર બ્લોકના કારખાનામાં પાણી પીવડાવવા લઈ ગયો હતો. દરમિયાન યુવક યુવતીને એકલાં જોઈને કારખાનામાં રહેલા પ્રવિણ કરસન રાજપૂતની હવસ સળવળી ઉઠી હતી. યુવતીની મદદ માટે સંજય સાથે ભરત નામનો અન્ય યુવક પણ ત્યાં દોડી આવ્યો હતો. પ્રવિણે સંજય અને ભરતને રૂમની બહાર કાઢી મૂકીને દરવાજો બંધ કરીને યુવતીની મરજી વિરુધ્ધ કપડાં કાઢીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે ગત રાત્રે યુવતીએ આડેસર પોલીસ મથકે આપેલી ફરિયાદના આધારે પોલીસે બળાત્કાર, દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. રાજ્યના ગૃહમંત્રી આજે કચ્છની મુલાકાતે આવ્યાં છે ત્યારે જ દુષ્કર્મનો બનાવ બહાર આવતાં પોલીસ ખાતામાં ભારે દોડધામ મચી ગઈ છે. ભચાઉ વિભાગના ડીવાયએસપી સાગર સાંબડાએ તપાસ હાથ ધરી છે
રિપોર્ટ બાય : ગની કુંભાર