ગાંધીધામના શહેરના હાર્દ સમાન ટાગોર રોડની આસપાસ સર્વિસ રોડ બનાવવા માંગ ઉઠી

સત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગાંધીધામના શહેરના હાર્દ સમાન ટાગોર રોડની આસપાસમાં અનેક સરકારી સહિતની કચેરીઓ કાર્યરત થઇ છે, જેના લીધે ટ્રાફિકજામની સમસ્યા ગંભીર બની જવા પાણી છે. પરિણામે બન્ને બાજુએ રૂપિયા 40 કરોડના ખર્ચે સર્વિસ રોડ બનાવવા સહિતના મુદ્દે ગાંધીધામના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.   આ અંગે કરવામાં આવેલ રજૂઆત અનુસાર, ગાંધીધામ ખાતે કાયમી મામલતદારની બદલી થતાં તેમની જગ્યાએ નવા મામલતદારની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેમજ મામલતદાર કચેરીનું હાલનું મકાન સાંકડું અને જર્જરિત હોવાથી લેખિતમાં નવાં મકાનની માંગ કરવામાં આવેલ હતી. રોજબરોજના અરજદારો અને રજિસ્ટ્રાર ઓફિસ હોવાથી કચેરીનું મકાન નાનું હોવાના કારણે ભારે ભીડ જોવા મળી રહે છે, જેથી પૂર્ણ સગવડો સાથેની નવી કચેરી માટે મકાન બનાવી આપવા માંગ કરવામાં આવી હતી. ગાંધીધામના ટાગોર રોડ પર બન્ને બાજુએ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે અંદાજિત રૂા.40 કરોડના ખર્ચે સર્વિસ રોડ બનાવવા ઉપરાંત હાલમાં પડેલા ભારે વરસાદનાં કારણે નગરપાલિકા વિસ્તારના રસ્તાને થયેલ નુકશાન સુધારણા અંગે ગ્રાંટની માંગ કરવામાં આવી હતી.