કચ્છની શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓના આયોજન સાથે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ
કચ્છ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન સાથે વિદ્યાર્થીઓેએ “ ભારત વિકાસ ”ની પ્રતિજ્ઞા લઇને ભારતના વિકાસમા મન-વચન કર્મથી સહયોગ આપવા નિશ્ચય કર્યો હતો.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લામાં વિવિધ શાળાઓમાં ભારતની વિકાસની યાત્રાને સમર્પિત એવા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે નિબંધ, વકતૃત્વ, રંગોળી વગેરે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે છેલ્લા બે દિવસમાં કચ્છની શાળાઓમાં ૭૦ હજારથી વધુ બાળકો “ભારત વિકાસ” પ્રતિજ્ઞા સાથે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને દેશના વિકાસ અને કલ્યાણ માટે તન, મન અને ધનથી અવિરત પ્રયાસરત રહેવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.
આ સાથે યુવાવર્ગની સહભાગિતામાં નિબંધ સ્પર્ધામાં ૮ હજારથી વધુ તથા વકતૃત્વ સ્પર્ધામાં ૬ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પોતાની કળાના કામળ પાથરીને ગુજરાતની વિકાસ ગાથા રજૂ કરી હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નિબંધ અને વકતૃત્વ સ્પર્ધામાં પોતાના વિચારો રજૂ કરતા વિદ્યાર્થીઓએ ગુજરાતની વિકાસ ગાથામાં શ્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા, ગુજરાતની વિકાસ ગાથા, છેલ્લા ૨૩ વર્ષમાં ગુજરાતમાં થયેલો વિકાસ, ગુજરાતના વિકાસમાં કચ્છનો ફાળો, ગુજરાતના વિકાસમાં શિક્ષકશ્રીઓનો ફાળો, ગુજરાતના વિકાસમાં જુદા-જુદા ક્ષેત્રમાં કાર્યરત અધિકારીશ્રીઓ અને તંત્રનો ફાળો, ગુજરાતના વિકાસમાં યુવા વર્ગની સહભાગિતા, ગુજરાતના વિકાસમાં જુદી-જુદી સરકારી યોજનાઓના લાભો સહિતના વિષયો પર વિદ્યાર્થીઓએ છટાદાર રજૂઆત કરી હતી. ઉપરાંત બાળકોએ અવનવી રંગોળી દોરીને પોતાની પ્રતિભા દર્શાવી હતી. ગુજરાતમાં છેલ્લા ૨૩ વર્ષમાં થયેલા વિકાસને જોતા રાજ્યના વિકાસમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ભૂમિકા અને યોગદાન મહત્વપૂર્ણ છે.