શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે આછોદ ગામના વધુ 2 શખ્સો ઝડપાયા

વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કેશવણ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે આરોપીઓને 4 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. વાગરાથી મુલેરને જોડતા માર્ગ ઉપર આવેલ કેશવણ ચોકડી નજીક પોલીસે માહિતીના આધારે એક છોટા હાથી ટેમ્પોને અટકાવી પંચો રૂબરૂ ટેમ્પોની તલાશી લેતા તેમાં લોખંડની પાઇપો જણાઈ આવી હતી. જે મુદ્દામાલ અંગે જરૂરી આધાર પુરાવા અને બીલ માંગતા હાજર ઈસમો રજૂ કરી શક્યા ન હતા અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબો આપી રહ્યા હતા. જેથી આ મુદ્દામાલ ચોરીનો હોવાની શંકાએ પોલીસે હાજર બંને ઈસમોની મુદ્દામાલ સાથે અટક કરી હતી. પોલીસે 18,600 ની કિંમતના 620 કિલોગ્રામ લોખંડના પાઇપો તેમજ 4 લાખની કિંમતનો એક છોટા હાથી ટેમ્પો જેનો રજિસ્ટ્રેશન નંબર GJ-26-W-6869 મળી કુલ 4,18,600 ના મુદ્દામાલ સાથે ઝાવીદ અબ્દુલ્લા પટેલ તેમજ આસિફ ઈબ્રાહીમ પટેલ બંને રહે, આછોદ નાઓની BNSS-35(1) ડી મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે, કે આ પહેલા ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે આછોદ ગામના 9 આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા હતા. ત્યાં અછોદ ગામનાજ વધુ બે આરોપીઓ શંકાસ્પદ મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.