રાજ્ય સરકારે વિકાસ સપ્તાહમાં આઈકોનિક પ્લેસ તરીકે શ્રી શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલને આપ્યું છે સ્થાન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શ્રી શ્યામજી કૃષ્ણવર્માની અસ્થિઓને વિદેશથી ભારત લાવીને રાજ્યભરમાં વીરાંજલિ યાત્રા કાઢીને માંડવી ખાતે સ્મારકનું નિર્માણ કરાવ્યું હતું. કચ્છના માંડવીમાં જન્મેલા ક્રાંતિગુરૂ શ્રી શ્યામજી કૃષ્ણવર્માને અંતિમ સંકલ્પને પૂર્ણ કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાચી શ્રદ્ધાંજલિ આપી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર ભક્તિભાવ, દેશની વિરાસત અને તેના વૈભવના પુનઃજાગરણની પ્રતિબદ્ધતાથી માંડવી ખાતે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ‘ક્રાંતિ તીર્થ’નું ભવ્ય નવનિર્માણ શક્ય બન્યું છે. સ્વાતંત્ર્ય સંગ્રામ સેનાનીઓના જીવનમાંથી પ્રેરણા લેવા અનેક લોકો આ સ્મારકની મુલાકાત લઈ રહ્યા છે.
શ્રી શ્યામજી કૃષ્ણવર્માના આઝાદીમાં યોગદાન અને પ્રેરક વારસાને સાચવવામાં વડાપ્રધાનશ્રીનું મોટું યોગદાન
શ્રી શ્યામજી કૃષ્ણવર્માનો જન્મ વર્ષ ૧૮૫૭માં કચ્છના માંડવી ખાતે થયો હતો. ક્રાંતિગુરૂ શ્રી શ્યામજી કૃષ્ણવર્મા પ્રખ્યાત રાષ્ટ્રવાદી, ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની હતા. વિદેશ અભ્યાસ માટે લંડન ખાતે આવતા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદી વિચારનો સંચાર કરવાનું કાર્ય ક્રાંતિગુરૂ શ્રી શ્યામજી કૃષ્ણવર્માએ કર્યું હતું. અનેક ક્રાંતિકારીઓને તૈયાર કરીને આઝાદીની લડાઈમાં ક્રાંતિગુરૂ શ્રી શ્યામજી કૃષ્ણવર્માએ મોટું યોગદાન આપ્યું હતું. વર્ષ ૧૯૩૦માં ક્રાંતિગુરૂ શ્રી શ્યામજી કૃષ્ણવર્માનું અવસાન થતા તેમના અસ્થિઓને જીનીવા ખાતે રાખવામાં આવ્યા હતા.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી વર્ષ ૨૦૦૩માં સ્વિટ્ઝર્લૅન્ડની સરકારને અનુરોધ કરી જીનીવા ખાતેથી ક્રાંતિગુરૂ શ્રી શ્યામજી કૃષ્ણવર્મા અને તેમના ધર્મપત્ની શ્રીમતિ ભાનુમતીના અસ્થિઓને ભારત પરત લઈ આવ્યા. સમગ્ર રાજ્યમાં વીરાંજલિ યાત્રા યોજીને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્રાંતિતીર્થનું નિર્માણ કરાવ્યું. આમ, ક્રાંતિગુરૂ શ્રી શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિઓને ભારત પરત લાવી અને ક્રાંતિગુરૂના જન્મસ્થળ માંડવી ખાતે સ્મારક બનાવવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રીએ કર્યું હતું. વર્ષ ૨૦૧૦માં ક્રાંતિગુરૂ શ્રી શ્યામજી કૃષ્ણવર્મા સ્મારકની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્મારકમાં શ્રી શ્યામજી કૃષ્ણવર્માના જીવન અને આઝાદીના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે.
તાજેતરમાં ગુજરાત સરકારે જીએમડીસીના સહયોગથી સ્મારકનું કર્યું છે નવીનીકરણ
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્માની ૧૬૭મી જન્મજયંતિ નિમિતે કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે રૂ.૨૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ટેક્નોલોજી અને વિવિધ આકર્ષણો સાથે આધુનીકીકરણ પામેલ શ્રી શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક – ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે શ્રી શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક – ક્રાંતિતીર્થ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે એ ભાવના વ્યક્ત કરી હતી.
નવીનીકરણ પામેલા ક્રાંતિતીર્થમાં બ્રિટિશ સામ્રાજ્યના ગઢમાં સ્વતંત્રતાની મશાલ જગાવનાર દેશભક્તશ્રી શ્યામજી કૃષ્ણવર્માના જીવનની ઝાંખી કરાવતી વીરાંજલી ગેલેરી તથા ઇન્ડીયા હાઉસમાં વિવિધ આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૫ કરોડની ફાળવણી તેમજ જીએમડીસી દ્વારા ફાળવેલા રૂ.૫ કરોડ સહિત કુલ રૂ. ૨૦ કરોડના ખર્ચે મુખ્યત્વે પ્રાચીન ઇતિહાસ અને આધુનિક સુવિધાઓનો સમન્વય કરીને ક્રાંતિતીર્થનું આધુનીકીકરણ કરવામાં આવ્યું છે. નવીનીકરણ પામેલા ક્રાંતીતીર્થમાં ઇન્ડિયા હાઉસનું સમારકામ અને વીરાંજલી ગેલેરીનું પુન:નિમાર્ણ, અદ્યતન આર્કિટેકચરલ લાઇટિંગ અને મુલાકાતીઓ માટે ઉમેરાયેલી લિફ્ટ જેવી સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.
વીરાંજલી ગેલેરીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માના જન્મ, શિક્ષણ, દેશભ્રમણ, સ્વદેશગમન, કારકીર્દી, સ્વામી દયાનંદનો શ્રી શ્યામજીકૃષ્ણ વર્માના જીવન ઉપર પ્રભાવ સહિતની તેમના વ્યક્તિગત જીવન-કવનની સમગ્ર ઝાંખી દર્શાવવામાં આવી છે. બ્રિટિશ સામ્રાજ્યના ગઢ લંડનમાં ૬૫ ક્રોમવેલ એવન્યુ સ્થિત મૂળ ઇન્ડિયા હાઉસની આબેહૂબ પ્રતિકૃતિ તરીકે સંપૂર્ણ પુન:નિર્માણ કરવામાં આવેલા ઇન્ડિયા હાઉસનું સમારકામ આ નવીનીકરણના કાર્ય દરમિયાન કરવામાં આવ્યું છે.
ઐતિહાસિક દ્રષ્ટિકોણ જાળવીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરાયેલા ઇન્ડિયા હાઉસમાં શ્યામજી કૃષ્ણવર્માના જીવનપ્રસંગો અને ભારતના સ્વતંત્રતા આંદોલનના વિવિધ પ્રવર્તકો વિશેના દસ્તાવેજો અને પ્રદર્શિત કરાયેલા પેઇન્ટિંગ્સ, આધુનિક પ્રદર્શન, ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે બોર્ડ અને ડિજિટલ ટચ સ્ક્રીન ટેક્નોલોજી થકી વિવિધ દસ્તાવેજોનું એક્સેસ વગેરે પ્રકલ્પો ઉભા કરવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ ખાતે નમો વન વડ મોડેલ તથા વનકવચ યોજના અંતર્ગત ૨૦ હજાર રોપાનું વાવેતર કરીને મેમોરિયલ પરિસરને ગ્રીન પરિસર બનાવવામાં આવ્યું છે.
આમ, આઝાદીના અનસંગ હીરો શ્રી શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિઓને ભારત લાવીને, તેમના જન્મસ્થળ માંડવી ખાતે ભવ્ય સ્મારક બનાવી તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્રાંતિગુરૂને યથાયોગ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વડાપ્રધાનશ્રીના વિઝનથી નિર્માણ પામેલું આ સ્મારક ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માના આઝાદીના લડતના સંઘર્ષને લોકો સુધી પહોંચાડી રહ્યું છે.