ભરૂચમાં પરણિત વ્યક્તિનું સોશિયલ એકાઉન્ટ હેક કરી એકાઉન્ટ ધારકની પત્નીને મેસેજો અને વીડિયો કોલ કરી હેરાન પરેશાન કરનાર ઈસમને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયો
ભરૂચમાં એક પરણિત વ્યક્તિનું સોશિયલ એકાઉન્ટ હેક કરી એકાઉન્ટ ધારકની પત્નીને મેસેજો અને વીડિયો કોલ કરી હેરાન-પરેશાન કરનાર ઈસમને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.
હાલમાં સોશિયલ મીડિયાથી અનેક લોકો છેતરપિંડીના ભોગ બની રહ્યા છે. જેથી ભરૂચ જિલ્લા એસ.પી મયુર ચાવડાએ ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા સોશિયલ મીડીયા તથા છેતરપીંડીના ગુનાઓમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા આદેશ આપ્યા હતા. તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઈ વી.બી.બારડ તથા પી.એસ.આઈ એલ.બી. સૈની અને તેમની ટીમ ગુનાઓ ડિટેકટ કરવાની કામગીરી કરી રહ્યા છે. જેમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં આ કામના ફરિયાદીનો કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા એકાઉન્ટનો પાસવર્ડ મેળવી એકાઉન્ટ હેક કર્યું હતું.
આરોપીએ ફરિયાદીના સોશિયલ મીડિયાના એકાઉન્ટનો પાસવર્ડ મેળવ્યા બાદ તેને ખબર પડી કે, ફરિયાદીનું તેની પત્ની સાથે બનતું નથી અને બંને વચ્ચે અણબનાવ ચાલે છે. જેનો ફાયદો ઉઠાવી આરોપીએ ફરિયાદીની પત્નીને સોશિયલ મીડિયા થકી મેસેજો મોકલી વીડિયો કોલ કરીને હેરાન-પરેશાન કરતો હતો. જોકે, ફરિયાદીની પત્નીએ સાદા કોલ પર મેસેજ અને વીડિયો કોલ અંગે વાતચીત કરતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. જે બાદ ફરિયાદીએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી હતી. સાયબર ક્રાઇમની ટીમે ગુનાને શોધી કાઢવા માટે સોશિયલ મીડિયા સાઈટના એકાઉન્ટની માહિતી મેળવી ટેકનીકલ એનાલીસીસ કરી હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ચાવજના પ્રજાપતિ ફળિયામાં રહેતા પિયુષ પ્રવિણભાઈ પ્રજાપતિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ