અંજાર ખાતે આવેલ લાખાપર ગામમાં ખેડૂતોએ 21,320ની ખાતરની ભરેલી એક ગાડી ઝડપી પાડી
અંજાર ખાતે આવેલ લાખાપર ગામમાં ખેડૂતોએ 21,320ની ખાતરની ભરેલી એક ગાડી ઝડપી પાડી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંજાર તાલુકાના લાખાપર ગામમાં પંચાયતની સામે પાણીના ટાંકા નજીકથી ખેડૂતોએ બોલેરો ગાડીને પકડી લીધી હતી અને બાદમાં આ ગાડીના ચાલકને પણ પકડી પાડવામાં આવેલ હતો. બાદમાં સર્વે હકીકતની અધિકારીને જાણ કરવામાં આવતા આ અધિકારી લાખાપર પહોંચ્યા હતા જ્યાં ખેડૂતો હાજર હતા અને ચાલક તથા ગાડી પણ ત્યાં જ હતી. અધિકારીએ ચાલકને ગાડીના માલિકનું નામ પૂછતાં ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કર (રહે. ભચાઉ) હોવાનું સામે આવ્યું હતું. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, ગાડીમાં રહેલ નિમકોટેડ યુરિયા ખાતરના આધાર-પુરાવા મગાતાં ચાલક તે આપી શકયો ન હતો. જુદી-જુદી કંપનીના યુરિયા ખાતર ભરેલી ગાડી પોલીસ મથકે લઇ જવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે આ બોરીઓમાંથી નમૂના મેળવી ખેતીવાડી અધિકારીએ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ તમામ ખાતરની બોરીઓ પોલીસ મથકે જમા કરાવવામાં આવી હતી.વધુ તપાસ દરમ્યાન આ શખ્સના કંપનીના મકાનમાંથી વધુ 27 બોરીઓ નીકળી પડી હતી.આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.