કચ્છમાં ફરી એક વખત કંપનીમાં કામદારોના મોત : કંડલામાં ઈમામિ એગ્રો ટેક કંપનીના ટાંકામાં સફાઈ કામ કરી રહેલા પાંચ શ્રમિકોના ગૂંગળામણના લીધે મોત
કંડલામાં ઈમામિ એગ્રો ટેક કંપનીના ટાંકામાં સફાઈ કામ કરી રહેલા પાંચ શ્રમિકોના ગૂંગળામણના લીધે મોત થયા હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ઘટનામાં મૃત્યુ પામનારમાં તમામ પરપ્રાંતિય લોકો છે. જેમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકોર નામના કામદારોના કેમિકલ ટાંકામાં ગૂંગળામણના કારણે જીવ ગયા હતા. આ ઘટના અંગે વધુમાં જાણવા મળી રહ્યું છે કે, ગત રાત્રે 12.30 વાગ્યાના અરસામાં ઇન્ચાર્જ સુપરવાઈઝર તિવારી વોટર ટેન્કની ડ્રેનેજ સિસ્ટમ તપાસવા ગયેલ હતા, આ દરમિયાન તેઓ અકસ્માતે ટાંકામાં પડી ગયા હતા. આ દરમિયાન ટાંકા અંદર ગૂંગળામણ થતા તેઓએ બુમાબુમ કરી હતી, જેના પગલે અન્ય કામદારો પણ ટાંકા અંદર બચાવવા કુદયા હતા. જોકે ગેસ વિશેની હાજરીથી બેખબર તમામ લોકો બેભાન થઈ ગયા હતા. આ સમયે હાજર અન્ય લોકોએ બચાવવાના પ્રયાસ કરેલ હતા. પરંતુ તેમાં સફળતા ન મળી અને મધ્ય રાત્રીના 1 વાગ્યે કંપનીના જવાબદાર લોકોને જાણ કરતા કંપની દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, હતભાગીઓને પ્રથમ ખાનગી અને બાદમાં વધુ સારવાર માટે આદિપુરની સરકારી રામબાગ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ પાછળનું સચોટ કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે. કંપની તરફથી દરેક મૃતકના પરિવારને રૂ.10 લાખની સહાય આપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.આ બનાવ અંગે આગળની વધુ તપાસ જારી છે.