સુરત : પનાસ ગામમાં આવેલા રાજલક્ષ્મી બંગ્લોઝમાંથી રાત્રીના અરસા દરમિયાન બે અજાણ્યા ચાર શખ્સો રોકડ તથા સોનાના દાગીના મળી કુલ રૂ.૪.૫૦ લાખની મતા તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પનાસ ગામ ખાતે રાજલક્ષ્મી બંગ્લોઝમાં રહેતા ઉર્વિબેન નયન શાહ ઉધનામાં આવેલી એપી માર્કેટમાં હેમજોત પેથોલોજી નામથી લેબોરેટરી ચલાવે છે. તેમની સંતાનમાં બે પુત્રી નિધિ અને વિધિ છે. તેમની મોટી પુત્રી નિધિ ભુજની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. નિધિની પરીક્ષા હોય ઉર્વિબેન ભુજ ગયા હતા. જ્યારે નાની પુત્રી વિધિને અડાજણ વિસ્તારમાં રહેતા ભાઈના ઘરે મૂકી ગયા હતા. ત્યારબાદ આજે સવારના અરસામાં તેઓ પાછા ફરતા ઘરની હાલત જોઈ ચોંકી ઉઠયા હતા. તેમના ઘરમાંથી રોકડા રૂ. ૮૦ હજાર અને સોનાના દાગીના મળી કુલ રૂ.૪.૫૦ લાખની મતા તસ્કરી થઈ હોવાનું તેમના ધ્યાન પર આવ્યું હતું. રાત્રીના અરસા દરમિયાન અજાણ્યા ચોર તેમના મકાનમાં લગાવેલ એસીની બાજુનો કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ તસ્કરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. ઘરના સીસીટીવી કેમેરાની તપાસ કરતા બે અજાણ્યા ચોર દેખાયા હતા. આ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે.