ચાટકી ગામે તમંચો, પાંચ કારતુસ સાથે એક શખ્સ પકડાયો

લીમખેડા તાલુકાના ચાટકી ગામે નિશાળ ફળિયામાં રહેતા શખ્સને પોલીસે બાતમીના આધારે તેના ઘરને કોર્ડન કરી દેશી હાથ બનાવટનો એક તમંચો તથા પાંચ જીવતા કારતુસ સાથે પકડી લીધો હતો. આ અંગે લીમખેડા પોલીસ સ્ટેશનના સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હોવાથી કોઇ ગંભીર ગુના ન બને તે માટે પોલીસ તાલુકાના લીમખેડા અને સિંગવડ તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં ચુંટણીઓ યોજાય તે માટે કવાયત આદરાઈ છે. જાણવા મળ્યા પ્રમાણે લિમખેડા અને સીંગવડ તાલુકાઓના મત વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ગતરોજ રાત્રીના અરસામાં પોલીસને બાતમી મળી હતી કે, ચાટકી ગામનો ગણપત ઉર્ફે ગણો ફતેસીંગ બારીયા તમંચો લઇને કોઇ ગુનો કરવાના ઇરાદે બહારગામ જવાનો છે. જેથી ચોંકી ઉઠેલી પોલીસે બાતમી આધારે લીમખેડા પોલીસે ચાટકી ગામે નિશાળ ફળિયામાં રહેતા બાતમીમાં મળેલી માહિતી અનુસાર ગણપત ઉર્ફે ગણો બારીયાના ઘરે પહોંચી ગઈ હતી. અને તેના ઘરને ચારે તરફથી કોર્ડન કરી લીધુ હતું. પોલીસને જોઇને ભાગવા જતા ગણપત ઉર્ફે ગણો ફતેસીંગ બારીયાનો પોલીસે પીછો કરી પકડી લીધો હતો. અને તેની તપાસ દરમીયાન તેની અંગ ઝડતીમાં દેશી હાથ બનાવટનો એક તમંચો તથા પાંચ જીવતા કારતુસ ઝડપાતા પોલીસે જપ્ત કર્યા હતા. ઉક્ત મળેલો તમંચો અને પાંચ કારતુસની કિંમત રૂ.૩,૫૦૦ આંકવામાં આવી છે. પોલીસે ગણપત બારિયાની અટક કરી ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *