અંકલેશ્વરમાં સગી બહેનના પાડોશી સાથેના સંબંધો હોવાનો શક રાખીને સગો ભાઈ માનસિક ત્રાસ આપતા બહેન દ્વારા ૧૮૧ અભયમમાં ફરિયાદ નોંધાવાઈ

અંકલેશ્વર તાલુકાના એક ગામમાંથી પિડીત મહિલાએ 181 હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે મારો ભાઈ મને પાડોશી ભાઈ સાથે શક કરે છે અને માનસિક ત્રાસ આપે છે. તેથી 181 અભયમની તાત્કાલીક મદદ માંગી હતી જેના આધારે ભરૂચ 181 ટીમ તરત જ સ્થળ પર પહોંચી પીડીતા સાથે વાતચીત કરતા પીડીતાએ જણાવ્યું કે, હું છેલ્લા સાત વર્ષથી મારા પિયરમાં જ રહુ છું. મારા પતિ સાથે છૂટાછેડા થઈ ગયા છે અને ત્યારથી લઇને અત્યાર સુધી પિયરમાં મારા બે ભાઈ, બહેન અને માતા-પિતા સાથે જ રહું છું અને તેઓને ઘરના કામકાજમાં મદદ કરું છું. મારા પિતા સિલાઈ મશીનનું કામ કરે છે. છેલ્લા સાત દિવસથી મારો એક ભાઈ નશો કરી ઘરે આવી મને પાડોશી ભાઈ સાથે સબંધ છે એવું વિચારીને શક કરે છે. પાડોશી એમના કપડાં સિલાઈ કરવાં મારા પિતા પાસે આવે છે તો એમની સાથે તારો સબંધ છે તેમ કહી મારા પર શક કરે છે. તેથી મારા ભાઈને સમજાવવા 181 ટીમની મદદ લીધી છે.
181ની ટીમે સ્થળ પર પિડીત મહિલાનું કાઉન્સેલિંગ કરી તેમજ તેમના ભાઈ અને પાડોશીને બોલાવતાં ભાઈએ જણાવ્યું હતું કે હું મારી બહેનને એ ભાઈ સાથે દુકાન પર વાતચીત કરતા જોયા ત્યારથી મારી બહેન પર શક કરું છું. જ્યારે પાડોશી ભાઈએ જણાવ્યું કે મારો એમની સાથે કોઈ સબંધ નથી. મારા લગ્ન નક્કી થઇ ગયા છે હું તો બસ કપડાં સિલાઈ કરાવવા આવું છું. સગા ભાઈએ પોતાની બહેન પ્રત્યે આવો શક કરી હેરાન કરી તે બદલ ભાઈએ માફી માગી પોતાની ભૂલની કબૂલાત કરી હતી.181 ટીમે ભાઈને સમજાવ્યો કે બહેનની આવી ખોટી વાતો મનમાં ન રાખવી અને બહેનની ઇજજત જાળવવી. આમ 181 ટીમ દ્વારા ભાઈ-બહેનના અતુટ પ્રેમને ઉજાગર કરી બંનેને સમજાવી સુખદ સમાધાન કરાવ્યું હતું.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ