લોરેન્સ ગેંગના 7 શૂટરોની અટક : રાજસ્થાનમાં પૂર્વ ધારાસભ્યના ભત્રીજાની હત્યા કરવાનો રચ્યો હતો ષડયંત્ર
દિલ્હી પોલીસની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટરોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી બિશ્નોઈ અને આરઝૂ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનનો એક ભાગ છે. ધરપકડ કરાયેલા શૂટરો હરિયાણા અને રાજસ્થાનમાં હત્યાઓ કરવાની યોજના ઘડી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમની યોજનાઓ ફળીભૂત થાય તે પહેલા નિષ્ફળ બનાવી દીધી હતી.
દિલ્હી પોલીસની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકોની કુંડળીની તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા શૂટરો રાજસ્થાનના શ્રીગંગાનગરના પૂર્વ ધારાસભ્ય રાજકુમાર ગૌરના ભત્રીજા સુનીલ પહેલવાનને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરઝૂ બિશ્નોઈ આ શૂટર્સને સૂચના આપી રહ્યો હતો, જ્યારે અનમોલ બિશ્નોઈ તેનું સંચાલન કરી રહ્યો હતો. પોલીસને આ બંને વચ્ચેની કડીઓ પણ મળી આવી છે.
મળતી માહિતી મુજબ, સુનીલ પહેલવાનને ગયા વર્ષે ઓક્ટોબરમાં મોબાઈલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં ધમકી આપનાર વ્યક્તિએ તેનું નામ અનમોલ બિશ્નોઈ હોવાનું જણાવ્યું હતું. આ પછી શ્રીગંગાનગરના સદર પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઘટનાના લગભગ 20 દિવસ પહેલા શ્રીગંગાનગરના અનમોલ બિશ્નોઈ નામના વેપારીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.