અંકલેશ્વર રેલવે ટ્રેક નજીક કુદરતી હાજતે ગયેલા 2 યુવાનને લૂંટી લેવાયા; પ્રતિકાર કરી 3 પૈકી એકને પકડી પાડ્યો

અંકલેશ્વરના ગડખોલ રચના નગર અંકલેશ્વરથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલા બે યુવાનો પાસેથી મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવનાર ચાર પૈકી એક લૂંટારૂને પ્રતિકાર કરી ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરના ગડખોલ ગામની રચના નગરમાં રહેતા વિપુલ રાણાભાઈ સાટીયા કુદરતી હાજતે અંકલેશ્વરથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે બાવળની ઝાડી નજીક ગયા હતા. તે સમય દરમિયાન અચાનક ચાર ઈસમો મોઢા ઉપર રૂમાલ બાંધી આવી ફરિયાદી વિપુલભાઈ કંઈ સમજે તે પહેલાં જ ચાર પૈકી એક ઇસમે ગળા ઉપર ચપ્પુ મૂકી ‘તેરા મોબાઈલ ઔર તેરે પાસ જીતના પૈસા હે વો ફટાફટ નિકાલ કે દે દે’ તેવું કહેતા યુવાનને પોતાનો મોબાઈલ ફોન લૂંટારૂઓને આપી દીધો હતો.
આ સમય દરમ્યાન અન્ય એક યુવાન પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેની સાથે પણ આ જ લૂંટારુઓએ લૂંટ ચલાવી હોવાનું કહેતા ફરિયાદી વિપુલ સાટીયાએ લૂંટારુઓનો પ્રતિકાર કર્યો હતો. આ દરમ્યાન લૂંટારુઓએ ચપ્પુ વડે હુમલો કરતા બન્ને યુવાનોને ઇજા પહોંચી હતી. યુવાનોની બૂમાબૂમ સાંભળી અન્ય સ્થાનિકો દોડી આવ્યા હતા. જે દરમ્યાન 3 લુંટારૂ ફરાર થઇ ગયા હતા. જ્યારે એકને પકડી લેવામાં આવ્યો હતો. પકડાયેલ લૂંટારૂનું નામ સાદાબ અહેમદ ખુરશીદ અહેમદ ખાન હોવાનું બહાર આવ્યું છે.
આ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે આ મામલે લૂંટ અંગેનો ગુનો નોંધી ફરાર અન્ય ત્રણ લૂંટારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર