અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં બે યુવાનોના મોત, એકને ઇજા

અંકલેશ્વરના અંદાડા ગામની નર-નારાયણ સોસાયટીમાં રહેતા સુરેશ રવિ વાઘેલાના પિતા 48 વર્ષીય રવિ કાલિદાસ વાઘેલા પોતાની મોપેડ લઇ કલરના પાઉચનું વેચાણ કરવા માટે ઝઘડિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે અંકલેશ્વરના મોતાલી પાટિયા પાસે સહયોગ હોટલની સામે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહનચાલકે રવિભાઈની મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોપેડ સવારનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે અકસ્માતના બીજા બનાવમાં સંજાલી ગામમાં ભાડેથી રહેતા 30 વર્ષીય રામ વિલાસ ધનશ્યામ ગોંડ પોતાના રૂમ ઉપર રહેતા મંગેશ રાજભરને કોસંબા ખાતે મુકવા માટે બાઈક લઇને બંને સાથે નીકળ્યા હતા. તે સમય દરમિયાન પાનોલી ઓવર બ્રિજ પાસે પાનોલી તરફના છેડા નજીક બાઈક સવાર બંને યુવાનો ઘોડા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રોડ ઉપર પટકાતા રામ વિલાસ ગોંડનું માથું ફૂટી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત મંગેશ રાજભરને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર