અંકલેશ્વરમાં ઓએનજીસી વર્કશોપ પાસેથી પોલીસે સળિયા અને ગડર ભરેલો ટેમ્પો જપ્ત કર્યો

અંકલેશ્વરમાં ઓએનજીસી વર્કશોપ પાસેથી પોલીસે સળિયા અને ગડર ભરેલો ટેમ્પો જપ્ત કર્યો છે.અંક્લેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસની ટીમ તહેવારોને અનુલક્ષીને પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે ઓએનજીસી વર્કશોપ પાસે સળિયા અને 12 ફૂટ લાંબી લોખંડની ગડરોનો જથ્થો લઇને જતાં ટેમ્પોચાલકને અટકાવ્યો હતો. ટેમ્પાનો ડ્રાઇવર અને અમદાવાદનો રહેવાસી નરેશ સલાટ સળિયા અને ગડરો અંગે બિલ કે અન્ય કોઇ પુરાવા રજૂ કરી શકયો ન હતો. આ મુદ્દામાલ ચોરીનો હોવાનું અનુમાન લગાવી પોલીસે ડ્રાઇવરની અટકાયત
કરી હતી. ટેમ્પામાં રહેલાં 10 હજાર કિલો લોખંડ અને ટેમ્પા સહિત 8.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર