મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં FICCIની નેશનલ એક્ઝીક્યુટીવ મિટ યોજાઇ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “નેશન ફર્સ્ટ”ના ભાવથી વિકાસના કેવા ઊંચા લક્ષ્યો અને પરિણામો સિદ્ધ કરી શકાય તેનું ઉદાહરણ દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીશ્રી અમદાવાદમાં આયોજિત FICCIની નેશનલ એક્ઝીક્યુટીવ મિટના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ પાછલા દશકમાં જે ઈનીશિએટીવઝ લીધા તેના પરિણામે ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું છે. એટલું જ નહીં, તાજેતરમાં IMFના અહેવાલમાં પણ એવા નિર્દેશ આપવામાં આવ્યા છે કે ભારતનો વિકાસ દર ૭ ટકા જેટલો એટલે કે વિશ્વના વિકસિત દેશો કરતા પણ વધુ રહેવાનો છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વિઝનરી સોચ અને આયોજનબદ્ધ વિકાસની નેમ હોય તો સ્થિતિ કેવી બદલી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં ગુજરાતે દેશના ગ્રોથ એન્જિન તરીકે પુરવાર કર્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ૨૦૦૧માં જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે રાજ્ય સામે ભૂકંપની આફત સહિત અનેક પડકારો હતા. પડકારોને તકમાં પલટાવી વિકાસ માટે નિરંતર આગળ વધવાનો આગવો મિજાજ ધરાવતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે પ્રજાકીય સહયોગથી પુરુષાર્થ કરીને આજે દેશમાં વિકાસના રોલ મોડેલનું ગૌરવ મેળવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની પ્રભાવક પ્રસ્તુતિ કરતા કહ્યું કે, ગુજરાતે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં રોડ-રસ્તાનું નેટવર્ક હોરીઝોન્ટલ અને વર્ટિકલ બેય રીતે વિકસાવ્યું અને છેક છેવાડાના ગામો સુધી કનેક્ટિવિટી પૂરી પાડી છે.

૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો દેશના સામુદ્રિક વેપારનું પ્રવેશદ્વાર બનાવ્યો તથા ગુજરાતને ટ્રેડ-કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ મેપ પર ચમકાવવાની સફળતા ૨૦૦૩થી વાઇબ્રન્ટ સમિટ શરૂ કરીને મેળવી તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બનવા સાથોસાથ FDI મેળવવામાં અગ્રેસર અને મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન પણ તેમના જ આગવા વિઝનથી બન્યું છે.

ગુજરાતમાં ફોર્ચ્યુન ફાઈવ હન્ડ્રેડમાંથી ૧૦૦ કંપનીઝ કાર્યરત છે તેમજ રાજ્યમાં GSDP ૨૦૦૧-૦૨માં ૧.૨૩ લાખ કરોડથી ૨૦૨૨-૨૩માં વધીને ૨૨.૩ લાખ કરોડ થયો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૨૦૦૧માં ૪૪,૮૮૬ કરોડથી વધીને ૨૦૨૨-૨૩માં ૬.૭૦ લાખ કરોડ તથા વીજ ઉત્પાદન ક્ષમતા ૮,૭૫૦ મેગાવોટથી વધીને ૨૦૨૩-૨૪માં ૫૨,૯૪૫ મેગાવોટ થઈ છે. મુખ્યમંત્રીશ્રીએ FICCI ગુજરાતની ગ્રોથ સ્ટોરીનું પ્રત્યક્ષ સાક્ષી રહ્યું છે તથા વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થતું રહ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે, અર્થવ્યવસ્થાપન માટે કેટાલિસ્ટ તરીકે કામ કરતું આ સંગઠન વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહયોગી બનશે તેવો તેમને વિશ્વાસ છે. તેમણે ભવિષ્યના ઉભરતા સેક્ટર્સને પણ ગુજરાત વડાપ્રધાનશ્રીના વિઝન અનુરૂપ પ્રોત્સાહન આપે છે તેની છણાવટ કરી હતી.

રાજ્યમાં આગામી દિવસમાં નવા સેમીકંડકટર પ્લાન્ટ શરૂ થવાના છે આ ઉપરાંત કચ્છમાં સૌથી મોટો સોલાર એન્ડ વિન્ડ હાઇબ્રીડ એનર્જી પાર્ક નિર્માણાધીન છે અને ગુજરાત રીન્યુએબલ એનર્જી હબ છે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા FICCIના પદાધિકારીઓ સમક્ષ આપી હતી. તેમણે સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

FICCIના પ્રેસિડેન્ટ શ્રી અનિશ શાહે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત આજે મોડલ સ્ટેટ બન્યું છે. દેશની જીડીપી, કુલ નિકાસ અને કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું નોંધપાત્ર યોગદાન છે. આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીને આવકારતું રાજ્ય બન્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઉદ્યોગો મહત્વનો ભાગ ભજવશે. રાજ્યમાં ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીઝના કારણે ઉદ્યોગો દિન પ્રતિદિન વિકસી રહ્યા છે. FICCI પણ મેક ઇન ઇન્ડિયા, વુમન લેડ ડેવલપમેન્ટ અને સસ્ટનેબિલિટી માટે હંમેશા કામગીરી કરી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

FICCIના ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન શ્રી રાજીવ ગાંધીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું, FICCI સાથે 7000થી વધુ ડાયરેક્ટ અને 2,50,000 જેટલા ઈન ડાયરેક્ટ મેમ્બર્સ સંકળાયેલા છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને ઇકોનોમિક ગ્રોથ મહત્વના બન્યા છે. FICCIની આજની મિટિંગ સસ્ટનેબલ ગ્રોથ, ઈનોવેશન અને કોલોબરેશન સાથે ઇન્ડસ્ટ્રીના ગ્રોથમાં મહત્વની સાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીને FICCIના પ્રેસિડેન્ટ શ્રી અનિશ શાહે ગ્રીન સર્ટીફીકેટ અર્પણ કર્યું હતું. FICCIના પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી હર્ષવર્ધન અગ્રવાલ, FICCIના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી અનંત ગોયન્કા, ઝાયડસ ગ્રુપના ચેરમેન અને FICCIના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ શ્રી પંકજ પટેલ સહિત FICCI સાથે સંકળાયેલા ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.