અંકલેશ્વરમાં CRPFના જવાનને શેરબજારમાં રૂ. 5 લાખની ખોટ જતા પાડોશમાં જ રહેતા 8 વર્ષના બાળકનું અપહરણ કરી ખંડણી માંગી

અંકલેશ્વરમાં શેરબજારમાં થયેલા લાખોના નુકસાનને રિકવર કરવા CRPFના જવાને 8 વર્ષના બાળકનું અપહરણ કરી 5 લાખની ખંડણી માંગવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. CRPF કોન્સ્ટેબલે પાડોશમાં જ રહેતા બાળકની હત્યા કરી નાંખી ખંડણી માંગી હતી, પરંતુ બાળક અવાજ ન કરે તે માટે પોતાના ઘરમાં લઈ જઈ બાળકના હાથ-પગ બાંધી મોઢે સેલોટેપ મારી પેટીમાં પૂરી દેતા ગૂંગળાઈ જવાથી બાળકનું મોત નિપજ્યું હતું, પંરતુ શંકા ન જાય એ માટે તે પરિવાર સાથે રહી બાળકની શોધખોળ પણ કરતો હતો. તેની હિલચાલ પરથી પોલીસને શંકા જતા તેની અટકાયત કરી પૂછપરછમાં ભાંડો ફૂટ્યો હતો.
અંકલેશ્વરના દઢાલ ગામ નજીક આવેલ ગ્રીનપાર્ક સોસાયટીના લોકો છઠ્ઠ પૂજાની ઉજવણીમાં લીન હતા. ત્યારે અચાનક 8 વર્ષીય શુભ રાજભર નામનો બાળક લાપતા બન્યો હતો. બાળકનો રાત સુધી ક્યાંય પત્તો ન મળતા સ્થાનિકો સાથે પોલીસે પણ શોધખોળ હાથ ધરી હતી પણ નિષ્ફ્ળતા જ હાથ લાગી હતી. વહેલી સવારે અચાનક લાપતા બાળકના પિતા ભીસમ રાજભરના મોબાઈલ પર એક વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં શુભના અપહરણ અને 5 લાખની ખાંડણીનો ઉલ્લેખ કરાયો હતો. આ સાથે ખંડણીની રકમ ગણતરીના સમયમાં પહોંચતી કરવા ધમકી અપાતા પરિવાર ભયભીત બની ગયો હતો.
પરિવારે મેસેજની જાણ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને કરતા ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા ટ્રેકિંગ કરવામાં આવતા મેસેજ ભીસમ રાજભરના પાડોશના ઘરમાંથી જ થયો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન પાડોશમાં CRPF કોન્સ્ટેબલ શૈલેન્દ્ર રાજપૂત રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જેનું પરિવાર વતન ગયું હતું જ્યારે શૈલેન્દ્ર ઘરે એકલો હતો. પોલીસે દરોડો પાડતા ઘરમાં CRPF કંપનીની લોખંડની પેટીમાંથી અપહૃત બાળકની લાશ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાથમિક પૂછપરછમાં શૈલેન્દ્રએ ઘોંઘાટના કારણે બાળકની હત્યાનું રટણ કર્યું હતું. જેણે કડક પૂછપરછમાં શેરબજારમાં લાખોની ખોટ ગઈ હોવાથી રિકવરી માટે અપહરણ કરી ખંડણી માંગી હોવાની કબૂલાત કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાળકને અપહરણ કરી બાંધી પેટીમાં સંતાડવાના કારણે ગૂંગળાઈ જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
શૈલેન્દ્ર રાજપૂત મધ્યપ્રદેશના ગ્વાલીયરમાં CRPFમાં ફરજ બજાવે છે અને ત્યાંથી રજા લઇ તે અંકલેશ્વર આવ્યો હતો. પાડોશમાં રહેતા બાળકને જોઈ તેનું અપહરણ કરી શેરબજારમાં ગયેલી ખોટને સરભર કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ બાળકની હત્યા તો કરી નાંખી હતી, પરંતુ પોલીસના સતત પહેરાના કારણે તે મૃતદેહનો નિકાલ કરવામાં અસમર્થ રહ્યો હતો. આથી પેટીમાં જ મૃતદેહ મુકી રાખ્યો હોવાની પણ વિગતો બહાર આવી છે. આ ઉપરાંત તેની કરતૂત અંગે કોઈને શંકા ન જાય એ માટે તે પરિવાર સાથે રહી બાળકની શોધખોળ પણ કરતો હતો. જો કે આખરે તેનો ભાંડો ફૂટી જતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર