Skip to content
ભાવનગર, વલભીપુરના મેઇન રસ્તા પર આવેલા હર્ષવિલા બંગલામાં ગત મોડી રાત્રિના અરસામાં ગ્રીલ માસ્ટર ગેંગ ત્રાટકતા ભારે ચકચાર મચી જવા પામી છે. બંગલાના રસોડાની ગ્રીલ તોડી તસ્કરો બંગલામાં પ્રવેશી સોના-ચાંદીની લગડી અને ભંડારામાં રાખેલ રોકડ મળી રૂ. 4.93 લાખના માલમત્તાની તસ્કરી કરી ફરાર બન્યા હતા. હર્ષવિલા બંગલાની રખેવાળી કરતા વૃધ્ધ નિંદ્રાધીન હતા તે વેળાએ તસ્કરો ખાતર પાડી પોબારા ભણી ગયા હતા. બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ભાવનગર જિલ્લાના વલભીપુરના અમદાવાદ રસ્તા પર આવેલ દાનવીર હર્ષદભાઇ પુનમચંદભાઇ શાહના માલિકીના હર્ષવિલા બંગલામાં ગત મોડી રાત્રિના અરસામાં તસ્કરોએ ત્રાટકી રસોડાની બારીની ગ્રીલ તોડી બંગલામાં ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમના કબાટમાં રાખેલ સોનાની ચેન, સોનાની લગડી, ચાંદીની લગડી, રોકડ રૂ. 30 હજાર તેમજ ભંડારાની પેટીમાં રાખેલ રોકડ ૨૨ હજાર મળી કુલ રૂ. 4.93 લાખની માલમત્તાની તસ્કરી કરી ફરાર બન્યા હતા. છેલ્લા ૨૫ વર્ષથી બંગલાની રખેવાળી કરી રહેતા નિરંજનભાઇ ઉર્ફે નિરૃકાકા ચંદુલાલ શાહ (ઉ.વ.73) બંગલામાં એકલા સુતા હતા તે વેળાએ તસ્કરોએ કસબ અમાવ્યો હતો. બનાવની જાણ થતા વલભીપુર પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને છાનબીન હાથ ધરી હતી. જ્યારે ઘટના અનુસંધાને હર્ષવિલા બંગલામાં રહેતા નિરંજનભાઇ શાહે વલભીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની તજવીજ હાથ ધરી છે.